પીએમશ્રી ચંદ્રુમાણા શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : પીએમશ્રી ચંદ્રુમાણા પ્રાથમિક શાળા દ્વારા પ્રિન્સિપાલ ગણેશભાઈ ડોડીયાની રાહબરી હેઠળ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓમાં સાહસ, સંસ્કૃતિ અને ભ
પીએમશ્રી ચંદ્રુમાણા શાળાના ધોરણ 6–8 માટે ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવ્યું.


પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : પીએમશ્રી ચંદ્રુમાણા પ્રાથમિક શાળા દ્વારા પ્રિન્સિપાલ ગણેશભાઈ ડોડીયાની રાહબરી હેઠળ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓમાં સાહસ, સંસ્કૃતિ અને ભૌગોલિક જ્ઞાન વિકસાવવાનો હતો.

પ્રવાસની શરૂઆત જોગણીનારના દર્શનથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભારતના સૌથી મોટા ખાનગી મુન્દ્રા બંદરની મુલાકાત લઈ જહાજો, કન્ટેનર ટર્મિનલ તથા આયાત-નિકાસની પ્રક્રિયા વિશે માહિતી મેળવી.

માંડવી ખાતે ક્રાંતિ તીર્થમાં શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત દરમિયાન દેશભક્તિના ઇતિહાસથી વિદ્યાર્થીઓ પરિચિત થયા. દિવસના અંતે દરિયાકિનારે સૂર્યાસ્તનો નજારો માણી બાળકો આનંદિત બન્યા.

પ્રવાસના બીજા દિવસે અંબેધામ ખાતે મા અંબાના મંદિરના દર્શન કર્યા બાદ નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન કરવામાં આવ્યા, જ્યાંથી વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની સરહદનો અનુભવ કર્યો.

ત્યારબાદ માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન અને સાંજે ધોરડાના સફેદ રણની મુલાકાત લેવામાં આવી, જ્યાં પૂનમની નજીકના દિવસોમાં રણ ઉત્સવની ઝલક અને અદભુત સૂર્યાસ્ત જોવા મળ્યો.

ત્રીજા દિવસે ભુજના આઈના મહેલ અને પ્રાગ મહેલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ કચ્છી અને યુરોપિયન સ્થાપત્યકળા નિહાળી. સ્વામિનારાયણ મંદિર અને ભુજોડીની હસ્તકલાની મુલાકાતે આધ્યાત્મિકતા અને કારીગરી વિશે જાણકારી મળી.

પ્રવાસના અંતે કબરાઉ ખાતે માં મોગલના દર્શન કરાયા. સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્ત, સમયપાલન, સમૂહભાવના અને ભારતની ભવ્ય વિરાસત વિશે મહત્વપૂર્ણ અનુભવ અને જ્ઞાન મેળવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande