


અંબાજી,30 ડિસેમ્બર(હિ.સ) અંબાજી
યાત્રાધામ ખાતે યાત્રિકોની સલામતી, સુરક્ષા
તેમજ ધાર્મિક માન્યતાઓને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકનીકલ
સર્વેક્ષણ તથા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનના આધારે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર હવે
વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ
નિર્ણયની અમલવારી આગામી 1 જાન્યુઆયરી,2026 થી કરવામાં આવશે.અંબાજી મંદિરમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ
દર્શનાર્થે આવે છે. યાત્રિકો દ્વારા વિવિધ સાઈઝ અને પ્રકારની ધજાઓ મંદિરના મુખ્ય
શિખર પર આરોહણ કરવામાં આવે છે. મંદિરના મુખ્ય શિખર ધ્વજદંડને અંદાજે 15 વર્ષ પૂર્ણ
થઈ ચૂક્યા છે. ટેકનીકલ ચકાસણી તેમજ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા
શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ આપવામાં આવેલ અભિપ્રાય અનુસાર અલગ-અલગ સાઈઝની ધજાઓ
તથા દૈનિક, રજાના અને તહેવારોના દિવસે મોટી સંખ્યામાં 50 થી 60 ધજાઓ આરોહણ થવાના કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની અને દુર્ઘટના
સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લાંબી
ધજાઓના કારણે સુવર્ણમય શિખરના કવચને ઘસારો થતો હોવાની પણ નોંધ લેવામાં આવી છે.
ઉપરાંત, કેટલીક વખત ૫૨ ગજ અથવા તેનાથી વધુ લંબાઈની
ધજાઓ અર્પણ કરવામાં આવતાં, ધજા જમીનને અડવાથી યાત્રિકોના પગમાં આવતી
હોવાથી અન્ય યાત્રિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હોવાની સ્થિતિ સર્જાય છે.
આ તમામ બાબતોને
ધ્યાનમાં રાખીને અધ્યક્ષ, આરાસુરી
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, બનાસકાંઠા
જિલ્લા કલેક્ટર, વહીવટદાર, ધાર્મિક
વિદ્વાનો, અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તથા
ધ્વજદંડના ટેકનીકલ કન્સલટન્ટ દ્વારા વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી.
પરિણામે, ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તેમજ
યાત્રિકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપી. આગામી 1 જાન્યુઆયરી,2026થી અંબાજી
મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય
લેવાયો છે.યાત્રિકો
દ્વારા જો 5 મીટરથી વધુ લંબાઈની ધજા લાવવામાં આવશે તો હાલ પૂરતી વ્યવસ્થા તરીકે તે
ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. પરંતુ મંદિરના મુખ્ય શિખર ઉપર તેનું
આરોહણ કરવામાં આવશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ