
જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ખારાબેરાજા અને વાંકિયા પંથકમાંથી ખનીજ ચોરી ઝડપી લેવાયા બાદ જામનગર નજીકના સરમત ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું કારસ્તાન સામે આવ્યું હતું. બે ટ્રેકટરો, એક્સાવેટર સહિત 1 કરોડ ઉપરાંતનો મુદામાલ કબ્જે કરાયો હતો.
જામનગર તાલુકાના સરમત ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરીની બાતમીના આધારે ભુસ્તર શાખા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સ્થળ પર તપાસ દરમિયાન હાર્ડમોરમ/બ્લેકટ્રેપ ખનીજનું ખોદકામ થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન એક્સાવેટર મશીન મારફતે ટ્રેકટરમાં હાર્ડમોરમ ભરી ગેરકાયદે પરિવહનનું ભોપાળું છતું થયું હતું.
જેના આધારે તંત્ર દ્વારા સરમત ગામની સીમ વિસ્તારમાંથી એક એસ્કવેટ મશીન અને બે ટ્રેકટર સહિત કુલ રૂા. 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલામાં ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ છે. તંત્ર દ્વારા સપાટો બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt