ગુજરાતની પ્રાકૃતિક કૃષિ ક્રાંતિમાં વડોદરા અગ્રેસર,બાગાયતી પાકોમાં 'નવબીજાંકુર અર્ક'નો અનોખો પ્રભાવ
- રાસાયણિક વૃદ્ધિ પ્રેરકોનો શ્રેષ્ઠ વિકલ્પ: ''નવબીજાંકુર અર્ક''થી ફળ-શાકભાજીની ચમક અને વજનમાં વૃદ્ધિ વડોદરા,30 ડિસેમ્બર (હિ.સ.) જમીન સ્વાસ્થ્યનું રક્ષણ અને માનવ સ્વાસ્થ્યની સુખાકારીના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી ર
ગુજરાતની પ્રાકૃતિક કૃષિ ક્રાંતિમાં વડોદરા અગ્રેસર,બાગાયતી પાકોમાં 'નવબીજાંકુર અર્ક'નો અનોખો પ્રભાવ


- રાસાયણિક વૃદ્ધિ પ્રેરકોનો શ્રેષ્ઠ વિકલ્પ: 'નવબીજાંકુર અર્ક'થી ફળ-શાકભાજીની ચમક અને વજનમાં વૃદ્ધિ

વડોદરા,30 ડિસેમ્બર (હિ.સ.) જમીન સ્વાસ્થ્યનું રક્ષણ અને માનવ સ્વાસ્થ્યની સુખાકારીના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણા અને સતત માર્ગદર્શન તથા સક્રિય દિશાનિર્દેશ હેઠળ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરમાં રોલ મોડેલ બની રહ્યું છે. આ જનઅભિયાનમાં વડોદરા જિલ્લો પણ મક્કમ ગતિએ જોડાઈને ગાય આધારિત ખેતીમાં નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે.

વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ હવે પરંપરાગત રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી છે. ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકોથી દૂર રહીને, ગાયના છાણ-ગૌમૂત્રમાંથી બનતા 'જીવામૃત' અને 'બીજામૃત' જેવા દેશી આયામો અપનાવ્યા છે. જેના પરિણામે ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનની ફળદ્રુપતામાં વધારો જોવા મળ્યો છે.

ખાસ કરીને બાગાયતી પાકો માટે 'નવબીજાંકુર અર્ક' એક આશીર્વાદ સમાન સાબિત થયો છે. રાજ્યપાલ દ્વારા સૂચવવામાં આવેલી વિધિ મુજબ તૈયાર થતો આ અર્ક મગ, મઠ, અડદ, તુવેર, ચણા, ઘઉં, બાજરી જેવા નવ પ્રકારના ધાન્ય અને કઠોળના અંકુરિત બીજમાંથી બનાવવામાં આવે છે. આ અર્ક પોષકતત્વોનો ભંડાર છે.જ્યારે બાગાયતી પાકોમાં ફળ કે દાણા દુગ્ધ અવસ્થામાં હોય ત્યારે આ અર્કનો છંટકાવ કરવાથી અદભૂત પરિણામો મળે છે. 1 ફળ અને શાકભાજીની કુદરતી ચમક વધે છે. 2 ઉત્પાદનના વજનમાં અને કદમાં વધારો થાય છે. 3 પાકની પોષક ગુણવત્તા સુધરે છે. 4 બજારમાં ગ્રાહકો દ્વારા આવી ઝેરમુક્ત પેદાશોની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળે છે.

વડોદરા જિલ્લામાં લીંબુ, દાડમ, જામફળ અને વિવિધ શાકભાજી પકવતા ખેડૂતો આ પદ્ધતિથી ખુશ છે. રાસાયણિક 'ગ્રોથ પ્રમોટર્સ' (વૃદ્ધિ પ્રેરકો) પાછળ થતો હજારો રૂપિયાનો ખર્ચ બચી ગયો છે અને સામે ઉત્પાદન શ્રેષ્ઠ મળી રહ્યું છે. આમ, 'લો-ઇનપુટ, હાઈ-આઉટપુટ'ના સિદ્ધાંત સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આયોજનબદ્ધ રીતે તાલીમ શિબિરો અને ફિલ્ડ વિઝિટ્સનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના નેતૃત્વના સ્પષ્ટ નિર્દેશોને કારણે જિલ્લાનું કૃષિ અને બાગાયત ક્ષેત્ર આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનના સત્વનું રક્ષણ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને ખેતપેદાશોની ગુણવત્તામાં સુધારો - આ ત્રણેય પરિબળો પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande