
ભાવનગર,30 ડિસેમ્બર (હિ.સ.) યાત્રીઓને ડિજિટલ માધ્યમો દ્વારા ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રેલવે બોર્ડ દ્વારા રેલવન (RailOne) એપ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં રેલવન એપ પર આર-વૉલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરવાથી 3% બોનસ કેશબેકની સુવિધા ઉપલબ્ધ છે. હવે આ પહેલને આગળ વધારતા એવું નક્કી કરવામાં આવ્યું છે કે રેલવન એપ પર આર-વૉલેટ ઉપરાંત તમામ ડિજિટલ ચુકવણી માધ્યમો દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવાથી યાત્રીઓને 3% છૂટ આપવામાં આવશે.
આર-વૉલેટ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગની સ્થિતિમાં અગાઉની જેમ 3% બોનસ કેશબેકની સુવિધા યથાવત્ ચાલુ રહેશે.
આ 3% છૂટ/લાભની સુવિધા 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન CRIS દ્વારા યોજનાના પ્રભાવ અંગેનો ફીડબેક મે મહિનામાં રેલવે બોર્ડને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આગળની સમીક્ષા કરી શકાય. આ નિર્ણય અનુસાર રેલવન એપમાં જરૂરી ટેકનિકલ ફેરફારો કરવામાં આવશે.
રેલવે બોર્ડની આ પહેલ યાત્રીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા પ્રોત્સાહિત કરશે તેમજ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ