


પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા દ્વારા 13 જેટલી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, આ સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે પોરબંદર જિલ્લાના ટીબીના દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળે તે માટે તેઓને જરૂરી પૌષ્ટિક આહારની કીટ દર મહિને આપવામાં આવે છે. જેના ભાગરૂપે ટીબી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત દર્દીઓને આહાર કીટ અર્પણ કરવામાં આવી હતી.
ટીબીના દર્દીઓને ઝડપથી રોગમુક્ત કરવા દવાની સાથે પૌષ્ટિક આહારની પણ ખાસ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે હાલ મોંઘવારીના સમયમાં ગરીબ દર્દીઓ પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં ખરીદી શકતા ન હોય. આથી પોરબંદર જિલ્લાના કોઈપણ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારના કારણે દર્દથી પીડાવું ન પડે તે માટે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા દર મહિને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવે છે. તેના ભાગરૂપે ટીબી હોસ્પિટલ પોરબંદર ખાતે યુએસથી ખાસ પધારે દાતા યાસમીનબેન આડતીયાની ઉપસ્થિતિમાં તેઓના આર્થિક સહયોગથી પૌષ્ટિક આહારની કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ક્ષયના દર્દીઓને ટીબી હોસ્પિટલ દ્વારા દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેની સાથે સાથે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવે છે જેમાં ઘઉં લોટ, ખીચડી, ગોળ, સિંગ તેલ, ચણા, ચણા દાળ, મગ, સીંગદાણા, દાળિયા, ખજૂર, કાળી દ્રાક્ષ, વળીયારી, ગાયનું ઘી, પ્રોટિન પાઉડર સહિતના ખાદ્ય પદાર્થો સાથે બનાવેલી પૌષ્ટિક આહાર કીટ દર્દીઓને આપવામાં આવે છે. જો દર્દીઓ સમયસર દવા અને આ આહાર કીટમાં આપેલ ખાદ્ય પદાર્થને આરોગે તો ચોક્કસપણે ટીબીના રોગમાંથી મુક્ત થઈ શકે છે.
પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં મૂળ પોરબંદરના અને હાલ યુએસ ખાતે વસતા યાસમીનબેન આડતીયા અને તેમના પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહી અને સમગ્ર વર્ષ દરમિયાન ટીબીના દર્દીઓને દર મહિને રાસન કીટ પુરી પાડવા માટે રેડક્રોસ સોસાયટીને આર્થિક અનુદાન આપીને પોતાનો જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ અને દર્દીઓ માટે કરુણાની લાગણી દર્શાવી હતી. આ પ્રસંગે પોરબંદર રેડક્રોસના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા, પૂર્વ ચેરમેન લાખણશી ગોરાણિયા, સેક્રેટરી અકબર સોરઠીયા, પીઆરઓ જગદીશ થાનકી, ડો. સી.જી. જોશી, ડો. સીમા પોપટીયા, વિમલ હિંડોચા, રામ ઓડેદરા, દીપક વઢિયા, ફિરોજ આડતીયા વગેરેએ ઉપસ્થિત રહી ટીબીના દર્દીઓને આહાર કીટનું વિતરણ કર્યું હતું. આહાર કીટ મેળવનાર તમામ દર્દીઓએ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya