

પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.)પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ગણિત એટલે તો મજા જ મજા વિષય પર પ્રેરણાદાયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. ચંદ્રમૌલી જોષીએ આપ્યો હતો. આ વિશિષ્ટ કાર્યક્રમ બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો સ્વ. મુકુંદભાઈ પટેલ અને સ્વ. હિરાભાઈ પટેલની સ્મૃતિમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે મહેમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ગજેન્દ્રભાઈ રાવલનું શાબ્દિક સ્વાગત કરીને કરી. ભારતીય પરંપરા અનુસાર કુમકુમ તિલક, ખેસ અને મોમેન્ટો દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ રામાનુજન મેથ્સ ક્લબની સ્થાપના, તેના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર્યો અને ગણિત પ્રત્યે જાગૃતિ લાવવામાં તેના યોગદાન વિશે માહિતી આપી.
ડૉ. ચંદ્રમૌલી જોષીએ સ્વ. મુકુંદભાઈ અને સ્વ. હિરાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે, પાટણ જિલ્લો ગણિતનું મોસાળ છે અને વિદ્યાર્થીઓ અહીં ગણિતને ઉત્સવની જેમ માણે છે. તેમણે ગણિત એટલે તો મજા જ મજા વિષય પર બે કલાકનું ઇન્ટરેક્ટિવ વ્યાખ્યાન આપ્યું, જેમાં સમાંતર શ્રેણી, જાદુઈ ચોરસ, ઝડપી ગણતરી, રમૂજી પ્રયોગો અને રસપ્રદ ઉદાહરણો દર્શાવ્યા.
વિદ્યાર્થીઓએ વ્યાખ્યાનમાં સક્રિય ભાગ લઈને પ્રશ્નો પૂછ્યા અને પોતાની ગણિત પ્રતિભા દર્શાવી. ડૉ. જોષીએ ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ બાળક ગણિતમાં પાછળ નથી; ફક્ત સમજાવવાની રીત બદલાય તો પરિણામ બદલાય છે. તેમણે ખીજડીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ અને વડાપ્રધાનની મુલાકાતના પ્રસંગની વાત પણ શેર કરી, જેને સાંભળીને હોલમાં તાળીઓના ગડગડાટથી પ્રેરણા ફેલાઈ.
કાર્યક્રમનું સંચાલન ડૉ. અલ્પેશભાઈ પટેલે કર્યું, જ્યારે આભારવિધિ સુપરવાઇઝર કપૂરજી ઠાકોરે વ્યક્ત કરી. શેઠ એમ.એન. હાઈસ્કૂલનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને દૃષ્ટિ જગાવવા માટે સફળ રહ્યો અને શૈક્ષણિક સફરના એક યાદગાર અધ્યાય તરીકે નોંધાયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ