

પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કોલીખડા ગામમાં પોસ્ટ ઓફિસની સુવિધા હવે સત્તાવાર રીતે શરૂ કરાઈ છે. ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલ નજીક આ નવી સુવિધા કાર્યરત કરવામાં આવી છે, જેથી ગામજનોને વિવિધ પોસ્ટલ અને નાણાકીય સેવાઓ સરળતાથી મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ નવી પોસ્ટ ઓફિસ સુવિધાનો પ્રારંભ થવા બદલ કોલીખડા ગ્રામ પંચાયતના સરપંચે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ સુવિધાના પ્રારંભથી વિધવા સહાય, વૃદ્ધ સહાય તેમજ અન્ય સરકારી લાભાર્થીઓ પોતાના નાણાંકીય લેવડ-દેવડ, જેમ કે રકમ ઉપાડ-જમા, ડી.બી.ટી. સંબંધિત સેવાઓ તથા અન્ય પોસ્ટલ સુવિધાઓ નજીકથી મેળવી શકશે. ગામના નાગરિકોને ઘરદ્વારે મળતી આ સુવિધાથી સમય અને મુસાફરી બંનેમાં બચત થવા પામશે અને લાભાર્થીઓને સહેલાઈપૂર્વક લાભ મળી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya