પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)
સિદ્ધપુરની પવિત્ર કુવારીકા સરસ્વતી નદી કાંઠે બિરાજમાન શ્રી અરવડેશ્વર મહાદેવ,શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ, શ્રી વાલકેશ્વર મહાદેવ, બાવાજી ની વાડીમાં બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ,પટેલ લોકના મ્હાઢમા આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ , બ્રાહ્મણીયા પોળમાં આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવની આવતીકાલે શોભાયાત્રા નીકળવાની છે ત્યારે સિદ્ધપુર મા શિવરાત્રી ની શોભાયાત્રાની તૈયારીઓ અંતિમ પડાવ ઉપર પહોચી હતી.પાંચ સ્વયંભૂ શિવાલયો સહીત શહેરના રાજમાર્ગો રોશની થી ઝળહળી ઉઠ્યા હતા.આવતીકાલે શહેર આખુ હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠશે.
મહા શિવરાત્રી ના પર્વને લઇને ચાલી રહેલી તૈયારીઓ અંતિમ પડાવ ઉપર પહોચી હતી.પહેલા બ્રહ્માડેશ્વર મહાદેવ અને વાલકેશ્વર મહાદેવ મંદીરનો શણગાર કરાતો હતો પરંતુ આ વર્ષે પાંચ સ્વયંભૂ શિવાલયો બ્રહ્માડેશ્વર મહાદેવ , વાલકેશ્વર મહાદેવ સહીત અરવડેશ્વર મહાદેવ , સિઁદ્ધેશ્વર મહાદેવ ની સાથે સાથે બિંદુ સરોવર મા આવેલા તમામ મંદિરો નો શણગાર કરાયો છે.તેમજ શહેરમા 3 ગેટ અને બિંદુ સરોવર ઓવર બ્રિજ થી સરસ્વતી નદી ઘાટે બેઠા પુલ થી લઇને મહાદેવ મંદીરો સુધી લાઈટો ની સુંદર રોશની નો શણગાર કરાયો છે.
આ ઉપરાંત મહા શિવરાત્રીના દિવસે નીકળતી શોભાયાત્રા મા નગર પાલિકા દ્વારા મહાદેવ ની નવીન મૂર્તિ ગજરાજ ઉપર બિરાજમાન થઇને લોકોને દર્શન આપવા નગરચર્યાંએ નીકળશે.જેમા આ દિવસે ઉપવાસ કરતા લોકો માટે 7 થી 10 હજારના મોરૈયા ના પડીકા આપી પ્રસાદ રૂપે ભકતો ને વિતરણ કરવાનુ આયોજન કરાયુ છે તેમજ પાલખીઓ ને ઉંચકી ને લઈ જતા પીતાંબરધારી ભૂદેવોના પગ ન બળે તે માટે પાલિકા દ્વારા ટેન્કર મારફતે રસ્તાઓ ઉપર પાણીના છંટકાવ ની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
ગાયકવાડ સરકાર થી ચાલી આવતી પરંપરા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ બાવાજીની વાડીમાં બિરાજમાન સિધેશ્વર મહાદેવ શિવરાત્રીની આગળના દિવસની સંધ્યાકાળે લોકોને મહાશિવરાત્રીની શોભાયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવા નીકળે છે તેમજ સૌપ્રથમવાર આ વર્ષે મહા શિવરાત્રીની આગલી રાત્રે મંગળવારે સરસ્વતી નદી કાંઠે લોક ડાયરો આયોજન કરાયું છે.મહા શિવરાત્રી પર્વ અને લોક ડાયરા ના આયોજનના ભાગરૂપે સિદ્ધપુર પાલિકા ચીફ ઓફિસર કૃપેશ પટેલ ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી જેમા પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ , કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે , જયેશભાઈ પંડ્યા , અંકુરભાઈ મારફતીયા , ચિરાગભાઈ શુકલ , કપીલભાઈ પાધ્યાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર