સુરત, 17 માર્ચ (હિ.સ.) સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ડિંડોલી દ્વારા 17 થી 20 માર્ચ દરમિયાન આયોજિત ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવમાં પ્રથમ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયા માના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ મા ઉમિયાના ચરણોમાં શીશ ઝૂકાવી સમગ્ર રાજ્ય-દેશના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારીની મંગલ કામના કરી હતી.
શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા ઉમિયા માતા મંદિરને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ દશમા વાર્ષિક પાટોત્સવને દશાબ્દિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રીએ મહોત્સવના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, દશાબ્દિ મહોત્સવ એ ઉમાપુરમના ભવ્ય ભૂતકાળને વાગોળવાનો, દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવ્ય સંકલ્પ કરવાનો ઉત્સવ છે.
મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, આ સંસ્થાએ સર્વ સમાજ અને વર્ગો માટે વિવિધ સેવાકાર્યો, ધર્મકાર્યો થકી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારની 'સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવના પાટીદાર સમાજ મૂર્તિમંત કરી રહ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પાટીદાર સમાજ જમીનમાં પાટુ મારી પાણી કાઢનારો અને સૌને સાથે રાખીને આગળ વધનારો સમાજ છે. પરિશ્રમથી અર્જિત કરેલી લક્ષ્મી સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાની ભાવના પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓની રહી છે. આ સમાજ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેમ જણાવી પાટીદાર સમાજ સૌને સાથે રાખીને વધુ આગળ વધે તેવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા જનજાગૃતિના પર્યાવરણલક્ષી અભિયાનોને સૌ પોતાનો સહજ સ્વભાવ બનાવે, સ્વભાવમાં સહજ રીતે વણી લે એવો અનુરોધ કરતા તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા-ઉછેરવા તેમજ વરસાદી પાણીનું ટીપે ટીપું ભૂગર્ભમાં ઉતારી જળસંચયના ઉમદા કાર્યમાં સહભાગી બનવા સૌ નાગરિકો સામૂહિક યોગદાન આપે. ઉપરાંત, સ્વચ્છ અને સુંદર સુરતની સ્વચ્છતાની કાયમી જાળવણી કરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરી આદર્શ નાગરિક બનવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશના વિકાસમાં પાટીદાર સમાજનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. ખેતરથી લઈ મહાકાય ઉદ્યોગો સુધી તમામ ક્ષેત્રે પાટીદાર સમાજે વિકાસના સીમાચિહ્નો સર કર્યા છે.ઉમિયા માતાજીની કૃપાથી ઉમાપુરમ મંદિરે દસ વર્ષ પૂર્ણ કર્યા છે એમ જણાવી ઉદ્યોગ મંત્રી આયોજકોને મહોત્સવના ઉમદા આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી.
આ વેળાએ મહોત્સવના દાતાશ્રીઓનું મુખ્યમંત્રી સન્માન કરી અભિવાદન કર્યું હતું. આ તકે 'વંદે ઉમાપુરમ' થીમ સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, સુરતના ડિંડોલી વિસ્તારના ઓમનગરમાં સ્થાપિત શ્રી ઉમિયા માતાજીનું મંદિર ઉમાપુરમ્ નામે પ્રસિદ્ધ છે. કડવા પાટીદારના કુળદેવીશ્રી ઉમિયા માતાજી અહીં પોતાના પૂર્ણ વૈભવ સાથે બિરાજમાન છે. ઉપરાંત શ્રી ઉમેશ્વર મહાદેવ, શ્રી ગણેશ, રાધા-કૃષ્ણ, સંકટમોચન હનુમાન તેમજ અન્ય દેવી દેવતાઓ બિરાજમાન છે. મંદિરમાં દૈનિક પૂજા ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારોમાં હજારો ભાવિક ભક્તો આસ્થા સાથે ભાગ લે છે. નવરાત્રી, દિવાળી અને જન્માષ્ટમીમાં જેવા લોકપ્રિય તહેવારોમાં માઈભક્તો આસ્થા અને પરમ દૈવી આરાધનાની અનૂભૂતિ સહ ઉજવણી કરે છે.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય મનુ પટેલ, સંદીપ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, પૂર્વ મંત્રી રજની પટેલ, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ડિંડોલીના પ્રમુખ ભગવાન પટેલ, મહોત્સવના અધ્યક્ષ કીર્તિ પટેલ, અગ્રણીઓ રમેશપટેલ, જાગૃતિ પટેલ, વિશાલ પટેલ, પ્રહલાદ પટેલ, ડાહ્યાભાઈ, રાજુ પટેલ સહિત ઉમિયા માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે