પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) નર્સિંગ બિલ્ડિંગ, જૂની મેડીકલ કોલેજ પોરબંદર ખાતે રેડક્રોસ સોસાયટી અને પાયોનીયર ક્લબના સંયુક્ત ઉપક્રમે મોઢાનું કેન્સર, સ્તનનું કેન્સર, શ્રવણ સહાય માટે હિયરિંગ મશીન વિતરણ,સર્વાઈકલ કેન્સર, શ્રવણ સંચાર તપાસ વગેરે અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, કલેક્ટર એસ.ડી.ધાનાણી, અમદાવાદથી તેમજ સમગ્ર ગુજરાતમાંથી આમંત્રિત નામી તબીબો અને હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ડૉ. રાગિણી દ્વારા સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા એક વ્યાખ્યાન પણ આપવામાં આવ્યું હતું. આ મેગા મેડિકલ કેમ્પમાં ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કૉલેજમાંથી
વિદ્યાર્થિનીઓ અને લેડીઝ સ્ટાફે બહોળી સંખ્યામાં હાજર રહી હતી તેમજ સર્વાઈકલ કેન્સર, સ્તનનું કેન્સર તેમ જ અન્ય જુદા જુદા પ્રકારના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનું બીડું ગોઢાણીયા મહિલા કૉલેજના સમગ્ર મહિલા સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ઝડપવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya