સુરત, 15 એપ્રિલ (હિ.સ.)-શહેરના કાપોદ્રા વિસ્તારમાં યુવાનની ચપ્પુ ઘા ઝીંકી હત્યા કરાતા ભારે ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા કાપોદ્રા પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને ગંભીર પરિસ્થિતિને પગલે ચાર નજીકના પોલીસ મથકનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો. મોડી રાત્રે 2 વાગ્યા સુધી તંગદિલ પરિસ્થિતિ રહી.
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના માલસીકા ગામના વતની અને હાલમાં ક્રિષ્ના નગર, કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વાઘેલા ફળની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર પરેશ વાઘેલા (ઉ.વ.17) હીરાના કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. રાત્રે કારખાનેથી ઘરે ફરતી વખતે આરોપી પ્રભુ રવિરામ શેટ્ટી (ઉ.વ.25) દ્વારા નશા માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી. પરેશે પૈસા આપવાનો ઇનકાર કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પ્રભુએ ચપ્પુથી પરેશના પેટમાં ઘા ઝીંકી દીધો હતો.
ભારે ઈજાગ્રસ્ત પરેશને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. કાપોદ્રા પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકના પરિવારજનો અને સમાજના લોકો પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા અને 500થી વધુ લોકોએ રસ્તા પર ઉતરી જાહેરમાં નારાબાજી કરી હતી. આરોપીને જાહેરમાં ફાંસી આપો જેવી માગણી સાથે લોકોએ પોલીસ મથકને ઘેરી લીધું હતું. પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસ મથકના દરવાજા લોક કરવાની ફરજ પડી હતી અને ઉમટી પડેલા ઘાસે નિશાળેલા લોકોને કાબૂમાં લેવા માટે વરાછા, પુણા, સરથાણા અને સારોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને તૈનાત કરવો પડ્યો હતો.
ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સમજાવટ કરતાં રાત્રે 2 વાગ્યે સ્થિતિ શાંત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે