ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને ઉદ્યોગોને ઉત્પાદન માટે પર્યાપ્ત પાણી પુરૂં પાડ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જોકે, પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માન્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નં.1916 સેવા પણ ઉપલબ્ધ કરાવી છે. આ ટોલ ફ્રી નંબરની સેવાના કારણે રાજ્યના ગ્રામીણ વિસ્તારના લોકો સરળતાથી પીવાના પાણી બાબતની ફરિયાદ સરકાર સુધી પહોંચાડી શકે છે, અને તેનું નિરાકરણ પણ મેળવે છે. ઉલ્લેખનીય છે કે આ ટોલ ફ્રી નં.1916 સેવા શરૂ થયેથી અત્યારસુધીમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણી સંબંધિત 99% થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.
99%થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ
પાણી પુરવઠા વિભાગ દ્વારા ટોલ ફ્રી નં.1916 સેવા શરૂ થયેથી અત્યારસુધીમાં કુલ 2,22,116 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાંથી 2,21,364 ફરિયાદો એટલે કે 99.66% ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં 89,410 ફરિયાદો નોંધાયેલ હતી જેમાંથી 88,992 (99.53%) ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે તથા જાન્યુઆરી 2024થી માર્ચ 2025 સુધીમાં 65,553 ફરિયાદો નોંધાયેલી હતી, જેમાંથી 65,509 (99.93%) ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે.
કેવી રીતે કામ કરે છે ટોલ ફ્રી સેવા નં.1916
ગ્રામજનોને નડતી પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ તેઓ ટોલ ફ્રી નં.1916 પર કરી શકે છે. તેમના દ્વારા ફરિયાદ મળ્યા બાદ, સંબંધિત ફરિયાદ વિશે સિવિલ, મિકેનિકલ, વાસ્મો જેવા સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાના નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઇલ નંબર અને ફરિયાદ અંગેની વિગતવાર માહિતી નોંધીને તેને ERP પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવે છે. ઓનલાઇન નોંધણી થયા પછી ફરિયાદીને ટેક્સ્ટ મેસેજ (SMS) અને ઇ-મેઇલ દ્વારા તેમની ફરિયાદનો નંબર આપવામાં આવે છે. ત્યારબાદ જે જિલ્લામાંથી ફરિયાદ આવી હોય, તેના સંબંધિત જવાબદાર વિભાગના સબ ડિવિઝન અધિકારીને ટેક્સ્ટ મેસેજ (SMS)અને ઇ-મેઇલ દ્વારા ફરિયાદની વિગતો જણાવવામાં આવે છે.
જિલ્લા કક્ષાએ ફરિયાદ મેળવ્યા પછી, અધિકારી ફરિયાદની સ્થળની મુલાકાત લઇને 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ લાવે છે. એકવાર ફરિયાદનું નિરાકરણ થઈ જાય, પછી સંબંધિત અધિકારી દ્વારા ERPમાં તે ફરિયાદને રિસોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાને ટેક્સ્ટ મેસેજ (SMS) દ્વારા ફરિયાદનું નિવારણ થઈ ગયું હોવાની જાણ કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના કોલ સેન્ટર દ્વારા ફરિયાદીને ફોન કરીને ફરિયાદ નિવારણ માટે કરવામાં આવેલ કામગીરી અંગેનો ફીડબેક પણ લેવામાં આવે છે.
ટોલ ફ્રી નંબર 1916 પર કેવા પ્રકારની ફરિયાદો કરવામાં આવે છે?
ગામમાં પીવાનું પાણી મળતું ન હોય, આંતરિક પાઇપલાઇનમાં લિકેજ હોય, બોરમાં ખરાબી હોય, પમ્પિંગ મશીનરીની મરામત, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય, જૂથ યોજનાનું પાણી મળતું ન હોય, પાણી ચોરીની ફરિયાદ, પાણી ગુણવત્તાની ફરિયાદ, મિનિ સ્કીમની મરામત અને સોલાર પેનલની મરામત, હેન્ડ પમ્પ રીપેરીંગ અંગેની ફરિયાદ વગેરે જેવી ગ્રામ્ય પેયજળ યોજનાને લગતી ફરિયાદો ટોલ ફ્રી નં.1916 પર કરવામાં આવે છે, જે ફરિયાદોનું ત્વરિત નિરાકરણ પણ લાવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ