વલસાડ. , 19 એપ્રિલ (હિ.સ.)-રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપી તાલુકાના વાપી શહેરના વાલ્મિકી આવાસના રૂા. 1.1 કરોડના ખર્ચે તૈયાર થયેલા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી વાપી તાલુકાની જનતા માટે ખુલ્લું મૂકયું હતું. આ પ્રસંગે વાપી નોટીફાઇડના પૂર્વ પ્રમુખ હેંમતભાઇ પટેલ, વી. આઇ. એ. ના માજી પ્રમુખ કમલેશભાઇ પટેલ, વાપી ન. પા. ના પૂર્વ ઉપપ્રમુખ દેવલ દેસાઇ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઇ અને વાપી મહાનગરપાલિકાના નાયબ કમિશનર અશ્વિનભાઇ પાઠક હાજર રહ્યા હતા.
વાપીના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો કર્યા હતા. દેશના વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના કાળમાં આયુષ્યમાન યોજના અંતર્ગત દેશના નાનામાં નાના માણસને પરિવારદીઠ રૂા. 5 લાખની મફત તબીબી સારવાર આપવાની શરૂઆત કરી છે. આ યોજનામાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજય સરકાર તરફથી આયુષ્યમાન યોજનામાં પરિવારદીઠ રૂા. 5 લાખનો ઉમેરો કરી રૂા. 10 લાખની મફત તબીબી સહાય આપવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના લોકોને આરોગ્યની સુવિધા અને દવા સસ્તી મળે એ માટે જેનેરીક દવા કે જે 70 ટકા ઓછા દરે મળી રહે તે માટે દેશભરમાં જેનેરીક દવાના સેન્ટરો શરૂ કરાવ્યા છે. દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મેદસ્વીતા એટલે કે જાડાપણું ઘટાડવા માટે અને તેલમાં 10 ટકાનો વપરાશનો ઘટાડો કરવા માટેનો આયામ પણ રજૂ કર્યો અને તે માટે દરેક જગ્યાએ ફીટનેસ સેન્ટરો શરૂ કરાવ્યા છે.
મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર- 25 સુધીમાં વાપી તાલુકાની 125 બેડની વાપી મામલતદાર કચેરીની બાજુમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ તૈયાર થનાર છે જેમાં સુપર સ્પેશયાલિટી સારવાર અને એના ટેસ્ટ નિઃશુલ્ક થશે.
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.હરજીતપાલ સિંગ, તાલુકા હેલ્થ ઓફિસર મૌનિક પટેલ, અર્બન હેલ્થ સેન્ટર વાપીના મેડીકલ ઓફિસર ર્ડો. અક્ષય પટેલ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વાપીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - વાપી 388.94 ચો. મી. માં ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળનું છે.
ગ્રાઉન્ડ ફલોર પર માઇનોર ઓપરેશન થિયેટર, લેબર રૂમ, ઇન્ડોર દર્દીઓ માટે 2 બેડ સાથે સુવિધાયુકત પુરૂષ વોર્ડ, ઇન્ડોર દર્દીઓ માટે 6 બેડ સાથે સુવિધાયુકત સ્ત્રીવોર્ડ, નર્સ રૂમ અને પ્રથમ માળ પર લેબોરેટરી, ફાર્માસી રૂમ, મેડીકલ ઓફિસર રૂમ વીથ ટોઇલેટ, ડોકટર આયુષ રૂમ વીથ ટોઇલેટ, ઓફિસ રૂમ, સ્ટોર રૂમ, કોલ્ડ ચેઇન રૂમ, દર્દીઓ માટે વેઇટીંગ રૂમ અને ઠંડા પાણી માટે કુલરની સુવિધા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે