પાટણ, 20 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરની શ્રીમતી કેશરબાઇ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય વ્યવસાયલક્ષી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહી છે. આ શાળા ખાસ કરીને આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી બ્યુટી એન્ડ વેલનેસ તથા હેલ્થ કેર જેવા ક્ષેત્રોમાં તાલીમ આપે છે. શાળાની આ કાર્યપદ્ધતિએ વિદ્યાર્થિનીઓને સ્વાવલંબી બનાવવા તરફ મજબૂત પગલાં લીધાં છે.
શાળાની આ પ્રશંસનીય કામગીરીને કારણે રાજ્યભરની અનેક શાળાઓ તેમની વોકેશનલ પ્રેક્ટીકલ લેબની મુલાકાત લે છે. તાજેતરમાં બનાસકાંઠાના દિયોદર તાલુકાની શ્રીમતી એસ.આર. મહેતા વિદ્યાલય, રૈયાની 50 વિદ્યાર્થિનીઓએ અહીં મુલાકાત લઈ બંને ટ્રેડ્સ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.
શાળાના આચાર્ય ડૉ. દિનેશ પ્રજાપતિ જણાવે છે કે, આવા અભ્યાસક્રમોથી અન્ય શાળાઓને પણ પ્રેરણા મળે છે. પાટણના મધ્ય વિસ્તારમાં આવેલી આ શાળા વ્યવસાયલક્ષી શિક્ષણમાં એક આદર્શ ઉદાહરણ બની રહી છે અને વિદ્યાર્થિનીઓને નવી દિશામાં આગળ ધપાવતી બની છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર