સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-ચોક બજાર વિસ્તારમાં આવેલ આર્ય સમાજની વાડી પાસે ફૂટપાથ પર રહેતા બે મિત્રો વચ્ચે ગતરોજ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં એક મિત્ર પ્લાસ્ટિકની થેલીમાં જમવાનું લાવ્યો હતો પરંતુ તેનાથી ગાંઠ ન ખૂલતાં તેણે બીજા મિત્ર પાસે મદદ માગી હતી. બીજો મિત્ર પ્લાસ્ટિકની થેલીની ગાંઠ ખોલતો હતો ત્યારે અચાનક જ પ્લાસ્ટિકની થેલી ફાટી જતા જમવાનું ઢોળાઈ ગયું હતું. જેથી ઉશ્કેરાયેલા યુવકે પોતાની પાસેનું ચપ્પુ કાઢી મિત્રને પેટમાં ઘા ઝીંકી દીધો હતો. જેથી તે લોહી લુહાણ થઇ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે ભોગ બનનાર યુવકે તેના મિત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ચોક બજાર વિસ્તારમાં આર્ય સમાજની વાડી પાસે ફૂટપાથ પર રહેતો સોનું ગણેશ ગુપ્તા ભંગાર વીણવાનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમની સાથે જ આર્ય સમાજની વાડી પાસે ફૂટપાથ પર રાજુ રામપાલ નામનો યુવક પણ વસવાટ કરે છે. ગત તારીખ 17/4/2025 ના રોજ રાત્રે 10 થી 10:15 વાગ્યાહના અરસામાં રાજુ રામપાલ પ્લાસ્ટિકની થેલીમાં જમવાનું લઈને આવ્યો હતો. પરંતુ તેનાથી જમવાનું પ્લાસ્ટિકની થેલી ખૂલતી ન હતી તેણે સોનુ ગુપ્તાની મદદ લીધી હતી. પ્લાસ્ટિકની થેલી ખોલતીવેળા અચાનક થેલી ફાટી જતા જમવાનું ઢોળાઈ ગયું હતું. જેથી ઉશ્કેરેલા ગયેલા રાજુ રામપાલે પોતાની પાસેનું ચપ્પુ કાઢી સોનુને એલ ફેલ ગાળો આપી પેટમાં ચપ્પુનો ઘા મારી દીધો હતો. જેથી ભોગ બનનાર સોનુને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે અઠવા પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ લઇ રાજુ રામપાલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે