Gujarat, 19 એપ્રિલ (હિ.સ.)
જેટકો કંપનીમાં આશરે 7 વર્ષથી અંદાજીત 300 જેટલી પી.ઓ.-1 ની જગ્યાઓ ખાલી પડી છે
પી. એ.1 ની ભરતીની દરેક પ્રક્રિયા કર્યા બાદ તેને ફરી કોઈ કારણસર અટકાવવામાં આવતા રોષ
કંપની અને કર્મચારીઓના ન્યાયના હિતમાં પી.ઓ. - ની સામે પી.એ. - 1 ની જગ્યાને મંજૂરી આપી જગ્યા ભરવા ભલામણ
ભરૂચ 19
જેટકો કંપનીમાં આશરે 7 વર્ષથી અંદાજીત 300 જેટલી પી.ઓ.-1 ની જગ્યાઓ ખાલી છે. જેના કારણે ફીલ્ડના સબ-સ્ટેશનોના સ્ટાફને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે તથા ખાલી રહેલ જગ્યાઓનો ચાર્જ અન્ય કેડરનાં સ્ટાફ પાસે હોવાને કારણે તેઓ પોતાની રજાઓ ભોગવી શકતા નથી. સાથો સાથ ઘણા કર્મચારીઓના હુકમ ઘણા સમય પહેલા થયેલ હોવા છતાં તેઓ છુટા થઈ શકતા નથી. જે પરિસ્થિતીને ધ્યાનમાં લઇ આ ખાલી પડેલ પી.ઓ. - 1 ની જગ્યાઓ જેટકો કંપની દ્વારા કંપની અને કર્મચારીઓના હિતમાં ભરવા માટેના મહત્વના નિર્ણય લેવામાં આવેલ છે.જેટકો કંપનીએ તમામ પરિસ્થિતિનું ન્યાયના હિતમાં નિરાકરણ લાવવા માટે હાઇકોર્ટના ચુકાદા અને કંપનીના પ્રસ્થાપિત નિયમાનુસાર ડિપ્લોમાં ઇલેકટ્રીકલની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારોની પી.ઓ. - 1 ની ખાલી જગ્યાઓ સામે હાઇકોર્ટ ખાતે, કેસ પડતર હોવાથી સમાન શૈક્ષણિક લાયકાત હોવાથી પી.એ. 1 ની કેડરથી સીધી ભરતીથી ભરવા રાજ્ય સરકારના નીતિ - નિયમાનુસાર જાહેરાત આપેલ અને જાહેરાત બાદ બે વખત ઓનલાઈન પરીક્ષા લીધા બાદ રીઝલ્ટ અને મેરીટ બાદ વેરિફિકેશન અને મેડિકલની સમગ્ર વહીવટી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ છેલ્લા સમયે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગાંધીનગર દ્વારા કોઈપણ કારણ વગરની ક્ષતિ ઉભી કરી ભરતી પ્રક્રિયા અટકાવવામાં આવેલ હતી.
જેટકો કંપનીના મેનેજમેન્ટ દ્વારા કરેલ પી.એ. 1 ની ભરતીથી કંપનીને આર્થિક કોઈપણ પ્રકારનું નુકશાન થયેલ નથી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ શક્ય એટલી રોજગારીની તકો ઊભી કરીને તમામ સરકારી જગ્યાઓ ભરવાની સુચના આપવામાં આવેલ છે. જેના કારણે લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારની નવી તકો મળે તથા સંસ્થાનું આર્થિક ભારણ પણ ઓછું થાય તેમ છે. આ ભરતી પ્રક્રિયા ન થવાને કારણે હાલમાં સરકારની પ્રતિષ્ઠામાં નકારાત્મક અસરો પ્રવર્તી રહી છે.
ઉપરોકત તમામ બાબત ધ્યાને લેતા કંપની અને કર્મચારીઓના ન્યાયના હિતમાં પી.ઓ. - 1 ની જગ્યાઓ સામે પી.એ. - 1 ની જગ્યાને મંજૂરી આપી જગ્યા ભરવા માટે તાત્કાલિક અસરથી ભરતી કરવા ઉર્જા મંત્રી કનુ દેસાઈને ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ લેખિતમાં ભલામણ કરી છે. જેથી નવયુવાનોને રોજગારી મળી રહે એવી લાગણી વ્યક્ત કરી છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ