સુરત, 2 એપ્રિલ (હિ.સ.) શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા અને સુપ્રસિદ્ધ ગાયક કલાકાર તેજદાન ગઢવી થોડા દિવસ અગાઉ રોકડા રૂપિયા 8.50 લાખ લઈ સાંકેત ધામ ખાતે આવેલ ગૌશાળામાં દાન કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની કારને અકસ્માત નડતા તેઓએ રોકડા રૂપિયા તેમની સાથે કામ કરતા યુવકને આપી ઘર સુધી સહી સલામત પહોંચાડવા માટે જણાવ્યું હતું. જેથી યુવકે પોતાની બાઈકની ડીકીમાં રોકડા રૂપિયા મૂકી રાખ્યા હતા પરંતુ આ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમની નજર ચૂકવી મોપેડની ડીકીમાંથી રૂપિયા 8.50 લાખ ચોરી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે યુવકે સઘળી હકીકત તેજદાન ગઢવી ને જણાવતા તેઓએ આ મામલે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેજદાન ગઢવી ની ફરિયાદ લઈ અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે જહાંગીરપુરા વિસ્તારમાં આસરામ આશ્રમની બાજુમાં આવેલ રંગ રાગ રેસીડેન્સીમાં રહેતા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર તેજદાન વિશ્રામદાન ગઢવી સંકેત ધામમાં આવેલ ગૌશાળા આશ્રમમાં 11 લાખ રૂપિયા આપવાના હતા. જેથી હાલમાં તેઓ પાસે બે અલગ અલગ જગ્યાઓ પરથી ગૌશાળામાં દાન આપવા માટે પૈસા આવ્યા હતા. જેથી તેઓએ આ બંને રકમ ભેગી કરી પોતાના ઘરમાં રહેલા રોકડા રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા 8.50 લાખ લઈ કારમાં સાંકેત ધામ ગૌશાળા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓની કારને અકસ્માત નડતા તેજદાન ગઢવી તથા તેમની સાથેના યુવકો કારમાંથી ઉતરી ગયા હતા. જેથી તેજદાન ગઢવીએ પોતાની પાસે રહેલા રૂપિયા 8.50 લાખ છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે કામ કરતા યુવકને આપી આ રકમ સહી સલામત ઘર સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન યુવકે પોતાની ઝૂપીટર ગાડી માં ડીકીમાં રૂપિયા 8.50 લાખ મૂકી દીધા હતા. આ દરમિયાન યુવક પણ તેની અન્ય બહેનને સાચવવામાં ધ્યાન રહેતા આ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે નજર ચૂકવી મોપેડ ની ડિક્કી માંથી રોકડા રૂપિયા 50 લાખ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવકે સમગ્ર હકીકત તેજદાન ગઢવી ને જણાવતા તેઓએ આ મામલે જહાંગીરપરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 8.50 લાખની ચોરીનો ગુનો દાખલ કર્યો વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે