ઉધનામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અવધેશ તિવારી સામે ખંડણીનો ગુનો નોંધાયો
સુરત, 2 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ ખંડણીખોર પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉધના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસમાં આરટીઆઇ કરી બાંધકામ કરનાર લોકોને રંજાડતા અવધે
ઉધનામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અવધેશ તિવારી સામે ખંડણીનો ગુનો નોંધાયો


સુરત, 2 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ ખંડણીખોર પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉધના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસમાં આરટીઆઇ કરી બાંધકામ કરનાર લોકોને રંજાડતા અવધેશ તિવારી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અવધેશ તિવારીએ સુરત મહાનગરપાલિકામાં 1000 કરતા પણ વધારે આરટીઆઇની અરજીઓ કરી હતી. હાલ તો પોલીસે તેની સામે રૂપિયા 20,000 બળજબરીથી કઢાવી લેવાનો ખંડણીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ધારાસભ્યની રજૂઆત બાદ સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરટીઆઇ કરી તોડ કરનારા અને લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા ખંડણીખોર પત્રકારો સામે અલગ અલગ પોલીસ મથકમાં 60 કરતાં પણ વધારે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે ઉધના પોલીસ મથકમાં ગતરોજ મોડી રાત્રે વધુ એક ગુનો નોંધાયો છે. મૂળ યુપીના વતની અને સુરતના ડીંડોલી નવાગામ વિસ્તારમાં હરિહર નગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય જ્ઞાનપ્રકાશ જયંતિપ્રસાદ શ્રીવાસ્તવ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શહેરના ઉધના વિસ્તારમાં ઉધના રોડ નંબર 6 ખાતે તેમનું એક બાંધકામ ચાલી રહ્યું હતું. ત્યારે ગોડાદરા વિસ્તારમાં રહેતા અવધેશકુમાર તિવારી નામના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને ખંડણીખોરે ઉધના ઝોનમાં અવારનવાર બાંધકામની વિરુદ્ધ અરજીઓ કરી હતી એટલુ જ નહીં પરંતુ ત્યારબાદ અવધેશ તિવારીએ જ્ઞાનપ્રકાશનો સંપર્ક કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકીઓ આપી રૂપિયા 50,000 ની માંગણી કરી હતી પરંતુ જ્ઞાનપ્રકાશ એ 50,000 આપવાની ના પાડતા અવધેશકુમાર તિવારીએ માર મરાવી હાથ પગ તોડાવી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જોકે ત્યારબાદ જ્ઞાનપ્રકાશને મળવા બોલાવી તેમની પાસેથી બળજબરી થી 20 હજાર રૂપિયા કઢાવી લીધા હતા. જેથી આખરે પોલીસે જ્ઞાનપ્રકાશની ફરિયાદને આધારે અવધેશકુમાર તિવારી સામે ખંડણીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande