ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહીદ ફાયરમેન રણજીતજી ઠાકોરના પરિવારને શ્રદ્ધાંજલિ સાથે કરવામાં આવી આર્થિક સહાય
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 10 લાખ તેમજ માનનીય મેયર દ્વારા, કરવામાં આવી રૂપિયા 1 લાખની સહાય
થોડા દિવસો પૂર્વે ગાંધીનગરના સેક્ટર 4માં બનેલી આગની દુ:ખદ ઘટનામાં ફરજ બજાવતાં ગાંધીનગર મહાનગરપાલિકાના બહાદુર ફાયરમેન શહીદ વીર રણજીતજી કાન્તીજી ઠાકોરનું અકાળે અવસાન થયું હતું. આ ઘટનાએ સમગ્ર ગાંધીનગર શહેરને શોકમગ્ન કરી દીધું છે.
આજે, શહીદ રણજીતજી ઠાકોરના બેસણા પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી અને આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે શહીદ રણજીતજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહીદના પરિવારજનને, રૂપિયા 10 લાખની આર્થિક સહાય આપવામાં આવી. આ ઉપરાંત વ્યક્તિગત રીતે મેયરએ રૂ. 1 લાખની સહાય આપી.
આ ઉપરાંત, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ દ્વારા રૂ. 51,000ની સહાય અર્પણ કરવામાં આવી. મહાનગરપાલિકાના કેટલાક કાઉન્સિલરઓએ પોતાનો એક મહિનાનો પગાર શહીદના પરિવારને સમર્પિત કર્યો.
ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પણ સ્વૈચ્છિક રીતે આર્થિક સહાય માટે અંદાજિત રૂ. 6,65,900/-નો ફાળો આપ્યો. ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરઓ, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે અંદાજિત રૂ. 25 લાખથી વધુની રકમ શહીદ રણજીતજી ઠાકોરના પરિવારને તુલસીપત્ર તરીકે અર્પણ કરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા શહીદ રણજીતજી ઠાકોરના બલિદાનને નમન કરે છે અને તેમના પરિવારની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ