પાટણ, 26 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજ શનિવારે પણ તાપમાનમાં કોઇ ઘટાડો થવાની શક્યતા નથી. બપોરે 12 વાગ્યે તાપમાન 39 ડિગ્રી, 1 વાગ્યે 40 ડિગ્રી અને 2થી 4 વાગ્યા વચ્ચે 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું છે, જેને કારણે શહેરના નાગરિકોને વધુ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગે નાગરિકોને હીટવેવથી બચવા માટે સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. તરસ ન લાગે તો પણ સમયાંતરે પાણી પીવું, ORS, છાસ, લસ્સી, લીંબુ પાણી અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ચા-કોફી અને સોફ્ટ ડ્રિંક્સનો ઉપયોગ મર્યાદિત કરવો અને મસાલેદાર, તળેલા ખોરાકથી દૂર રહેવું સલામત છે.
બહાર નીકળતી વખતે માથું ઢાંકવું, હળવા સુતરાઉ કપડાં પહેરવા અને બપોરે 12થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવી સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની વધુ કાળજી રાખવી જરૂરી છે. જો લૂ લાગવાના લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર