પાટણ, 26 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લામાં હાલ યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. જિલ્લામાં બાજરી અને જુવારના મોટા પાયે વાવેતર બાદ ખાતર ની તીવ્ર જરૂરિયાત છે, પરંતુ ખેડૂતોને ગામની મંડળીઓમાંથી ખાતર મળતું નથી. પરિણામે તેઓ પાટણ શહેર તરફ દોડી રહ્યા છે, પણ ત્યાંથી પણ તેમને ખાતર ન મળતાં આખો દિવસ બગાડી ખાલીહાથે પરત ફરવું પડે છે.
25 એપ્રિલ 2025ના રોજ પાટણ તાલુકા સહકારી સંઘમાં યુરિયા ખાતરની એક ગાડી આવી હતી, પરંતુ તે માત્ર બે-ત્રણ કલાકમાં જ ખલાસ થઈ ગઈ. ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહે છે, છતાં ખાતર મળવાનું નહિ એટલે તેમના આર્થિક નુકસાનમાં વધારો થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકાર ગુજરાતને ખાતર ફાળવે છે, છતાં રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતને પૂરતો જથ્થો ફાળવે નથી, જેના કારણે પાટણ જિલ્લામાં આ સ્થિતિ ઉભી થઈ છે. રવિ સીઝન 15 ફેબ્રુઆરીએ પૂરી થઇ હોવા છતાં ભર ઉનાળે ખાતર ન મળવું ચિંતાજનક છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ખેડૂતોને રાહત મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ વધુ જથ્થાની ફાળવણી કરવાની માગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર