બેટની જમીનની ફરતે વધારાનું ખોદાણ થવાથી જળસંચય પણ વધશે જેથી નદી જળાશયમાં ફેરવાશે
પ્રોજેકટ ભરૂચ-અંકલેશ્વરને ટવીન સીટી તરીકે વિકસાવવાનું સરકારના આયોજનમાં નિર્ણાયક રહેશે
સ્થાનિક રાજય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન નજરે પડે તેવું લોકેશન
ભરૂચ 4 એપ્રિલ (હિ.સ.)
ભરૂચ જીલ્લાના સામાજીક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા નર્મદા નદીના ડાબા કાંઠાને રીવરફ્રન્ટ તેમજ ગોલ્ડન બ્રીજથી ભાડભૂત બેરેજ વચ્ચે આવેલ અંદાજીત 1800 એકરના કુદરતી ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે.
ભરૂચ જીલ્લામાં ભરૂચ તેમજ અંકલેશ્વર વિસ્તારની મધ્યમાંથી પસાર થતી નર્મદા નદીમાં વર્ષો વર્ષ આવતા ભારે પૂરને કારણે બંને કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય છે તેમાં પણ ખાસ કરીને ડાબો કાંઠો નીચાણવાળો છે જેને લીધે પૂરથી મોટા પાયે પ્રભાવિત થાય છે. નર્મદા નદી વર્ષોથી ડાબા કાંઠા તરફ ફંટાઈ ગયેલ છે. ગોલ્ડન બ્રીજથી ઉતરાજ ગામ સુધીમાં અંદાજીત 1300 એકર જેટલી મહામુલી ફળદ્રુપ જમીનો ધોવાઈ ગયેલ છે. આ વિસ્તારમાં ગરીબ સીમાંત અને નાના ખેડૂતો આવેલા હોય ઘણાં ખેડૂતો પાસે હવે ખેતીલાયક જમીન પણ બચી નથી. અંકલેશ્વર તાલુકાના ડાબા કાંઠાની જમીનો પૂરથી વારંવાર પ્રભાવિત થતી હોવાથી ડાબા કાંઠા વિસ્તારમાં વિકાસ પણ ખૂબ જ ઓછો થયો છે. જેથી ગરીબ ખેડૂતો વધારે ગરીબ થઈ રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારમાં ભાડભૂત બેરેજ યોજના તેમજ પુર સરક્ષણ પાળાની કામગીરી મંજુર કરેલ છે અને જેનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. બેરેજની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. પરંતુ જમીનના પ્રશ્નોને કારણે ડાબા કાંઠાનો મોટો પ્રશ્ન હતો તેવા પુર સંરક્ષણ પાળાની કામગીરી શરૂ થઈ શકેલ નથી. જેથી સપ્ટેમ્બર-2023માં નર્મદા નદીમાં આવેલ ભારે પુર દરમિયાન થયેલ તારાજી ખેડૂતોએ ભોગવવી પડેલ છે. આથી તે પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા માટે અપીલ કરવામાં આવી છે.
આવી મોટી યોજનાઓની સાથે સાથે ઉપર જણાવ્યા મુજબના નાના ગરીબ સીમાંત ખેડૂતોની સામાજીક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેઓના સામાજીક અને આર્થિક વિકાસ થાય અને તેઓના ભોગે આવી મોટી યોજનાઓ ઊભી થઈ રહેલ છે તેવી હિન ભાવનાથી દૂર રહે તે ધ્યાને લેતા આ વિસ્તારમાં અન્ય વિવિધ યોજનાકીય કામો દ્વારા તેઓનો સામાજીક અને આર્થિક વિકાસ પણ સાથે સાથે થાય, તેઓને રોજગારીની તકો ઉભી થાય તે માટે સરકાર કંઈક વિચારણા કરે તેવી લોકભાવના આ વિસ્તારમાં પ્રવર્તી રહેલ છે. ભરૂચ તેમજ અંકલેશ્વરએ મુંબઈ-દિલ્હી ગોલ્ડન કોરીડોર પર આવેલ હોવા છતાં નજીકના શહેરો એવા અમદાવાદ, વડોદરા, સુરતની સાપેક્ષે ઔદ્યોગિક વિકાસ સિવાય અન્ય કોઈ વિકાસ આ વિસ્તારમાં થયેલ નથી. આ વિસ્તારમાં પ્રવાસનના વિકાસ (ટુરીઝમ ડેવલપમેન્ટ) માટે પણ મોટી શકયતાઓ હોવા છતાં આ બાબતે આજદિન સુધી વિચારણા થયેલ નથી તેવું ભરૂચ જીલ્લાની પ્રજાજનોનું મંતવ્ય છે.
વિશેષમાં ખાસ જણાવવાનું કે ભાડભૂત બેરેજ યોજના પૂર્ણ થતા વિશાળ જળાશયોનું નિર્માણ થનાર છે અને નર્મદા મોટી નદી હોય જેથી કયારેય પણ જળાશયમાં પાણીની કમી રહેનાર નથી તે જોતા નર્મદા નદીમાં ગોલ્ડન બ્રીજથી ભાડભૂત બેરેજની વચ્ચે આવેલ અંદાજીત 1800 એકરના કુદરતી ટાપુનો પ્રવાસન તરીકે વિકાસ (સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપેક્ષ) કરી શકાય તેમ જણાય છે. આ કુદરતી ટાપુનું લોકેશન પણ નજરે ચડે એવું છે. આ ટાપુ વડોદરા અને સુરત એરપોર્ટ, ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનો, વડોદરા-દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ જેવા અગત્યના સ્થળોથી માત્ર 10 થી 100 કિલોમીટરની હદમાં આવેલ છે તેમજ હિન્દુ ધર્મમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી નર્મદા પરિક્રમા કરતા ભારતભરના યાત્રાળુઓને પણ આ દ્રશ્યમાન થાય તેવું આ લોકેશન છે. આથી સ્થાનિક રાજયકક્ષાના અને રાષ્ટ્રીયકક્ષાના પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન નજરે પડે તેવું આ કુદરતી ટાપુનું લોકેશન છે. અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં બનાવેલ રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ પણ અંકલેશ્વર તરફના ડાબા કાંઠે બનાવવામાં આવે તો પ્રવાસનના વિકાસને કારણે આસપાસના ગરીબ સીમાંત અને નાના ખેડૂતોના સામાજીક અને આર્થિક વિકાસને વેગ મળશે. આ વિસ્તારમાં નાની બોટો ધરાવતા ગરીબ માછીમારોને પણ લાભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રવાસનના વિકાસ (ટુરીઝમ ડેવલપમેન્ટ)ને ઘણું મહત્વ આપે છે. ભરૂચ જીલ્લાના તેમજ અંકલેશ્વર મત વિસ્તારના પ્રજાજનોની નમ્ર અરજ છે કે આ ટાપુ તેમજ અંકલેશ્વર તરફના ડાબા કાંઠા ઉપર રીવરફ્રન્ટ સહિત પ્રવાસનનો વિકાસ કરવા સરકાર ખાસ કિસ્સામાં વિચારણા કરી આયોજન કરે એવી માંગણી કરવામાં આવી છે.
ભાડભૂત બેરેજ યોજનાની સાથે ભરૂચ જીલ્લામાં પ્રવાસન વિકાસના વિકલ્પોની પ્રાથમિક માહિતી
1. નર્મદા નદીમાં ભાડભૂત બેરેજથી 8 કિલોમીટર ઉપરવાસમાં અને ભરૂચ શહેરથી 15 કિલોમીટર હેઠવાસમાં આવેલ અંદાજીત 1800 એકર જમીન વિસ્તાર ધરાવતો ધંતુરીયા-તરીયા બેટ કે જે ભરતી સમયે આંશિક દબાણ હેઠળ અને પૂર દરમિયાન પૂર્ણ રીતે ડૂબમાં જતો અને હાલની સ્થિતિએ કોઈ ખાસ ઉપયોગી ના હોય તેવો બેટ.
2 બેટ પરની જ માટીનો ઉપયોગ કરીને ભરતીથી ઉંચાણવાળી એવી 500 એકર જમીનમાંથી માટી કાઢીને કાયમી ધોરણે ઉપજાઉ બનાવી શકાય તેવી 50 થી 100 એકર (સ્ટેચ્ચથ ઓફ યુનિટી તથા ગાર્ડન, ડીઝનીલેન્ડ (યુ.એસ.) અને ઈમેજીકા વોટરપાર્ક (મહારાષ્ટ્ર) સમકક્ષ બેટની જમીનનો પ્રવાસન તરીકે વિકાસ કરી શકાય.
3. વર્ષોથી પૂરથી પ્રભાવિત રહેતા અંકલેશ્વર તરફના ડાબા કાંઠાના તરીયા અને ધંતુરીયા ગામ તરફ ચારમાર્ગીય રોડ સાથે સાથે રીવરફ્રન્ટના વિકાસથી આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની શકે.
4 વર્ષોથી પૂરથી પ્રભાવિત થતા પ્રજાજનો પ્રોજેકટમાં જમીન ગુમાવનાર ગરીબ સીમાંત ખેડૂતો/નાના માછીમારો માટે સ્થાનિક રોજગારીની મોટા પ્રમાણમાં તકો ઉભી થતા સરકારશ્રીનું ભવિષ્યનું આયોજન વધુ સુંદર બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ