પોરબંદર, 5 એપ્રિલ (હિ.સ.) *(1) શ્રી માધવરાયનું પુરાણું મંદિર –* 13 મી સદીનું આ જૂનું મંદિર સમુદ્રથી ઉપર 200 ફૂટ ઉપર આવેલું વિષ્ણુમંદિર છે. મંદિરનાં વિવિધ શિલ્પો, કલા કારીગીરી, શિખર આ મલક ગર્ભદ્વાર-ગોખનાં શિલ્પો ઉપરથી આ જૂનું જીણું મંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો જણાવે છે. જૂના મંદિરની અંદર શ્રીમાધવરાયજી શ્રીત્રીકમરાયજીની પૂરા કદની જુગલ-જોડી હતી. સં. 1799 માં હવેલી બંધાતાં આ મૂર્તિઓની ત્યાં વૈષ્ણવી પ્રણાલિકા મુજબ પ્રતિષ્ઠા કરવામાં આવી. સૌરાષ્ટ્રના વિખ્યાત બહારવટિયા મૂળુ માણેક અને જોધા માણેક અહીં આવીને આ મંદિર ઉપર ભગવાન શ્રીકૃષ્ણની ધજા ફરકાવી ગયેલા એવી કિંવદંતી છે. અત્યારે પણ, આ મંદિર ભૂતકાળની ગૌરવગાથા રજૂ કરતું ઊભું છે. હાલ રાજ્ય સરકાર દ્વારા તેની મુળ ગરીમાને જાળવી રાખવાના સંકલ્પ સાથે આવનારી પેઢીઓ આ સાંસ્કૃતિક વિરાસત નીહાળી શકે તે માટે આ મંદિરના રીસ્ટોરેશનનુ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે.
*(2) શ્રી માધવરાયજીની નવી હવેલી –* પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ સં 1896માં જુના મંદિરની પૂર્વ બાજુ આવેલા મુ. 1799ના આ મંદિરને સ્થાને પોરબંદરના રાણી રૂપાળીબાએ આ હવેલી બંધાવેલી છે. આ મંદિરમાં શ્રી માધવરાય અને શ્રી ત્રીકમરાયની જુગલજોડી બિરાજે છે. કહેવાય છે કે આ મુર્તિઓના કદ જેવી મૂર્તિઓની જુગલજોડી ભારત ભરમાં નથી. આ મંદિરેથી જ માધવરાયજીની જાનનુ લગ્નોત્સવ વખતે પ્રસ્થાન થાય છે.
*(3) શ્રી બળદેવજીનો માંડવો –* સ્કંદપુરાણમાં બળદેવજીના માંડવાનો ઉલ્લેખ છે. ત્રેતાયુગમાં રેવત નામનો રાજા હતો તે રાજા બ્રહ્માજીના ઉપદેશથી પોતાની પુત્રી રેવતી બલદેવજીને આપી ગિરનાર ઉપર તપશ્ચર્યા કરવા ગયા હતા. તીર્થધામ માધવપુરમાં રેવતીકુંડ તથા બલદેવજીનો માંડવો અત્યારે પણ ગામની પૂર્વ બાજુએ સમુદ્રકિનારે પ્રત્યક્ષ છે. આ સ્થાન ચોબારી” તરીકે પ્રખ્યાત છે. રેવતી કુંડમાં સ્નાન કરવાથી દસ યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. બહારનાં યાત્રિક રેવતી કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.
*(4) બ્રહ્મકુંડ –* ગામના મુખ્ય દરવાજાની ડાબી બાજુ ઉગમણી દિશાએ પરમ પવિત્ર બ્રહ્મકુંડ આવેલો છે. આ કુંડનું ધાર્મિક મહત્વ ઘણુ છે. બ્રહ્મકુંડને કાંઠે-કિનારે શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવોનાં દહેરાં આવેલાં છે. પુરાણમાં એક કથા છે કે શ્રીકૃષ્ણ ભગવાન પાંચ પાંડવો સાથે અત્રે આવેલા અને બ્રહ્મકુંડમાં પવિત્ર સ્નાન કરેલું. આ બ્રહ્મકુંડની અંદર બ્રહ્માનું પ્રાચીન મંદિર આવેલું છે. ત્યાં એક નાગદમનનું પણ શિલ્પ છે. તદુપરાંત ગરુડજી તથા વરાહ અને શિવ પાર્વતીની જુગલજોડીનાં પણ શિ૯૫ છે. આ કુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય એવી લોકોમાં શ્રધ્ધા છે.
*(5) કપિલ મુનિની ડેરી* અરબી સમુદ્ર તટે કપિલ મુનિની ડેરી આવેલી છે, જે ખૂબ જ પ્રાચીન છે. આ ડેરી ઉપર વર્ષો પહેલાં પંખ” નામનું એક યાયાવર પક્ષી આવતું અને સમુદ્ર ઉપરથી ઊડીને આ ડેરી ઉપર બેસતું. ગામમાં ખબર મળતાં ધામધૂમથી એને શ્રીમાધવરાયના મંદિરમાં લઈ જવામાં આવતું. એ પંખી આખો દિવસ માધવરાયનાં દર્શન કરી, બીજે દિવસે મંગલાની ઝાંખી કરી શ્રીમાધવરાયજી સમક્ષ મૃત્યુ પામતું. આ વસ્તુ સં. 1958 માં જ્યેષ્ઠ માસમાં જે એ વખતના પોરબંદરના મહારાણાશ્રી ભાવસિંહજીએ જોયેલ હતી તેને ઉલ્લેખ રાજદરબારને ચોપડે થયેલો છે.
*(6) મધુવન –* ગામની ઉગમણી બાજુએ જરા ઇશાન તરફ એક કિ.મી. મધુવન-રૂપણવન આવેલું છે, આ વનમાં મધુ નામનો દત્ય રહેતો હતો અને કૃષ્ણ ભગવાને એનો સંહાર કરેલો. આ દૈત્યના નામ ઉપરથી મધુવન” નામ પડેલું છે તેમ મનાય છે. બીજી તરફ મધુવન ભગવાન શ્રીકૃષ્ણ વિવાહ સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે. મધુવનમાં અનેક દર્શનીય તીર્થ સ્થાન આવેલાં છે.
*(7) નીલકંઠ મહાદેવ –* નીલકંઠ મહાદેવનું મંદિર મધુવનમાં આવેલું છે. મંદિરના પાછળના ભાગમાં એક ગુફા હજુ પણ મોજુદ છે. આ સ્થાન બૌદ્ધકાલીન હોય એમ પણ લાગે છે. નીલકંઠ મહાદેવની બાજુમાં ગોરખનાથજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે ગુરુ ગોરખનાથ અહીં આવીને નીલકંઠ મહાદેવના સાંનિધ્યમાં થોડા દિવસ રહ્યા હતા. મંદિરની બાજુમાં રબારી દેસૂરનો પાળિયો વીરતાની ગાથા ગાતો ઊભો છે. આ પાળિયો 250 વર્ષ જૂનો હોય એમ એના ઉપરના લેખથી લાગે છે.
*(8) તારાપુરી આશ્રમ –* સંત અમરપુરી અને મહાત્મા તારાપુરીએ આ આશ્રમની સ્થાપના કરી છે. પ્રાચીન સમયના વાલમીકિ ઋષિના આશ્રમ જેવો આ આશ્રમ પથિકોને પાથેય અને પુણ્ય કથાઓ પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી તરફથી આ જગ્યાને આર્થિક સહાયતા મળેલી હતી. આ આશ્રમમાં નટવરકુંડ આવેલો છે. દરરોજ સંત સમાગમ થાય છે. સંત અમરપુરીની સમાધિ ઉપર અખંડ ધૂણી પણ છે.
*(9) શ્રીમહાપ્રભુજીની બેઠક* – ભારત ભરમાં વૈષ્ણવ સંપ્રદાયની કુલ 84 બેઠક છે તે માંહેની આ એક છે. પુષ્ટિમાર્ગપ્રવર્તક આચાર્ય શ્રીવલ્લભાચાર્યજી અહી આવેલા અને સાત દિવસ સુધી શ્રીમદ્ભાગવત રસપાન કરાવેલું. શ્રીમહાપ્રભુજીની બેઠક પાસે પ્રાચીન કદમ કુંડ આવેલો છે. આ કુંડમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ત્રિવિધ તાપ હરાય છે એવી માન્યતા છે. કદમ કુંડને કાંઠે ૧૫૦ વર્ષ જૂનું કદમનું વૃક્ષ આવેલું છે.
*(10) ચોરી માયરા –* ભગવાન શ્રીકૃષ્ણના રુકમિણી સાથે જે જગ્યાએ મધુવનમાં વિવાહ ગોધલિક સમયે થાય છે તે સ્થાન ચોરી માયરા નામે ઓળખાય છે. આ સ્થળ પર સરકાર દ્વારા રીસ્ટોરેશન અને સુવિધા ઉભી કરવામાં આવી રહી છે જેનુ ઈ-ખાતમુહૂર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ.
*(11) મહારાણીનો મઠ –* આ સ્થાન રુકમિણીના માવતરને સ્થાન તરીકે ઓળખાય છે. આ સ્થાનમાં શ્રીકૃષ્ણ-રૂકમિણીનું હસ્ત મેળાપવાળું એક સુંદર નયનરમ્ય જુનું શિલ્પ પણ છે.
*(12) શામદાસ મહંતનો મઠ –* આ જગ્યા મધુવનમાં આવેલી છે અને એમાં ગોપાલકૃષ્ણનાં મંદિર છે. તદુપરાંત પ્રાચીન પુરોહિતોના પાળિયા પણ છે. બાજુમાં ગોપાલકુંડ આવેલો છે.
*(13) ચામુંડા માતાજીની ટેકરી –* આ સ્થાન ઈશાન બાજુએ ઊંચા ટેકરા ઉપર આવેલું છે. ચામુંડા માતાજીનું જૂનું મંદિર આ સ્થાને આવેલું છે. અહીંથી સમસ્ત ઘેડ પ્રદેશની હરિયાળીનું તથા મધવંતી નદીનું પ્રિય દર્શન થાય છે. માધવપુરનું આ સ્થાન “સન-સેટ પોઈન્ટ' તરીકે ઓળખાય છે. બાજુમાં મધુ-આશ્રમ નામની જાણીતી જગ્યા આવેલી છે. મધુ શંકરનું ભોયરું જોવા લાયક છે.
*(14) નાગબાઈની જગ્યા –* મધુવનથી છેડે દૂર ચારણ આઈ નાગબાઈની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. એની પશ્ચિમે સખાનો કુંડ' નામનું પવિત્ર સ્થાન આવેલું છે. આ કુંડમાં સ્નાન કરવાથી દુઃખ દૂર થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. કહેવાય છે કે કૃષ્ણ રુકમિણીવિવાહ- પ્રસંગે અહીં પધારેલા. કૃષ્ણના સુખાની સ્મૃતિમાં આ કુંડ બનાવવામાં આવેલ હતો.
*(15) ગદાવાવ –* શ્રીકૃષ્ણે મધુ દૈત્યનો નાશ કરી આ વાવમાં પોતાની ગદા ધોઈ હતી તેથી આ વાવનું નામ ગદાવાવ પડ્યું કહેવાય છે. આ વાવ પાણિયારી છે અને એમાં શેષશાયી તેમજ શિવનાં ઉત્તમ શિ૯૫ છે. આ વાવઓ નું મહત્વ અને પ્રસંગો એ વખતના પોરબંદરનાં મહારાણા ભાવસિંહજીએ જોયેલ હતો તેનો ઉલ્લેખ રાજદરબારને ચોપડે થયેલો છે. પોરબંદરના ઈતિહાસવિદ્દ નરોત્તમ પલાણ કહે છે કે ગદાવાવ પૌરાણીક છે અને આ અવશેષ કથાઓ મુજબ બંધ બેસે છે એટલે તેનુ આગવુ મહત્વ છે.
*(16) ગણેશજાળું –* માધવરાયજીના પુરાણા મંદિરની ઉત્તરે સમાંતરે સમુદ્રતટે જમડી સુંઢના ગણપતિનું જૂનું સ્થાપત્યના ઉત્તમોત્તમ નમુના સમું ગણેશનું મંદિર આવેલું છે. જમણી સુંઢના ગણપતિનાં મંદિર ગુજરાતમાં જુજ છે તેઓ માંનું આ એક છે. આ મંદિરમાં ગણેશનાં અનેક શિલ્પ છે, જેથી એના સમૂહને ગણેશજાળું” એવું શુભ નામ આપવામાં આવ્યું છે.
*(17) રામદેવજીનું મંદિર –* પાદર(જાપો)માં જે સ્થળે મેળો ભરાય છે તે સ્થાનમાં શ્રીરામદેવજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. એની બાજુ-માં એક વાવ છે. આ વાવનું પાણી નાળિયેરના પાણી કરતાં પણ મીઠું છે. બાજુમાં સીતારામ બાપુનો આશ્રમ છે તેમાં માટીમાંથી બનાવેલ શ્રીહનુમાન- જીની મૂતિ દર્શનીય છે. કહેવાય છે કે આ સ્થળે અગાઉ ઋષિ મુનિઓ તપ કરતા હતા તેથી આ જગ્યાનું નામ ઋષિતળ પડ્યું છે. માધવરાયજી મંદિરના કુલગોર અને ટ્રસ્ટી જનક પુરોહિતના મતે ભગવાન શ્રી કૃષ્ણની જાનના રથને આજે પણ આ ઋષિતળ વિસ્તારમાં દોડાવવાની પરંપરા છે.
*(18) વિષ્ણુમંદિર –* મૂળ માધવપુરમાં એક નાનુ વિષ્ણુમંદિર આવેલું છે. આ મંદિર પુરાણું હોય એમ મનાય છે. આ મંદિરના મંડપની છતનું શિ૯૫ ભત્ર્ય, કલા કારીગરીથી સમૃદ્ધ, નયનરમ્ય છે. મંદિરના પ્રવેશ ઉપરનું નાગદમનનું શિ૯૫ ભારત ભરનાં છવનાં શિલ્પોમાં ઉત્તમતા ધરાવે છે. એના સભામંડપની છતના ઝરૂખા, સ્તંભ ઉપરના કીચક તેમજ વિદ્યાધરીઓની વાજિંત્ર વગાડતી વિવિધ મૂર્તિ એ શિ૯૫ના ઉત્કૃષ્ટ નમૂનાનું દર્શન કરાવે છે. છત તો ખૂબ જ ઉત્તમ કોટિની છે. કલાકારીગરીને આ અજોડ અમર અદ્દભુત નમૂનો છે.
*(19) રન્નાદે-સૂર્યમંદિર –* માધવપુરથી પાંચેક કિ.મી. દૂર આજક ગામે રન્નાદેનું જૂનું સૂર્યમંદિર આવેલું છે. આ સ્થાન ઉપર ધર્મશાળાનાં પગથિયાંમાં પાથરેલો એક ઐતિહાસિક શિલાલેખ છે તેમાં 1519માં પોરબંદરના મહારાણા શ્રી ભાણુના દીકરા ક્ષેમકરણને ભગવાન વિષ્ણુ સમક્ષ નમન કરાવ્યાનું લખ્યું છે. બાજુમાં પવિત્ર કુંડ છે. સુર્યમંદિર પાસે કુંડ હવે એ એની આગવી પ્રણાલિકા છે, આ કુંડની અંદર શેષશાયી તથા જલદેવની તેમજ સૂર્ય ભગવાનની સાત ઘોડાના વાળી મુર્તિઓ સ્થાપીત છે.
*(20) ખાખનાથની જગ્યા –* માધવપુરથી અગ્નિખૂણે પાંચેક કિ. મી. દૂર નામ ઉપરથી ઘણું જ પ્રાચીન જણાતું આંતરોલી ગામ છે તેની પૂર્વ બાજુએ સંત મહાત્મા ખાખનાથની જગ્યા આવેલી છે,
*(21) દાડમો દેવ –* માધવપુરની નજીકમાં અગ્નિખૂણે આઠેક કિ. મી. ઉપર દિવાસા (હાલના માંગરોળ તાલુકામાં) નામનું પુરાણું ગામ આવેલું છે. દિવાસા નામ બાબત વિદ્વાનોમાં જુદા જુદા મતભેદ છે. આ ગામમાં દાડમા દૈત્યની જગ્યા આવેલી છે. દાડમા દૈત્યનો શ્રીકૃષ્ણ ભગવાને અહીં સંહાર કરેલો હતો. દિવાસાનો ગઢ જોતાં જૂના વખતમાં આ ગામ કોઇ રાજાની રાજધાની હશે એવું લાગે. ગઢની અંદર લગભગ 100 જેટલી પાણિયારી વાવ હશે તેવા અવશેષ મળી આવેલા છે. ગઢની દીવાલમાં જે શિલાઓ વપરાયેલ છે તે એક એક શિલા લગભગ 25-25 કિ.ગ્રા.ની છે. દરેક પાણિયારી વાવમાં શેષશાયી વિષ્ણુનાં શિલ્પ છે.
*(22) લોએજ –* માધવપુરથી માંગરોળના રાજમાર્ગ ઉપર સોળેક કિ.મી. લોએજ ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ લાંબો વખત રહ્યા હતા. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જાત્રા અર્થે આવે છે. હરી ભક્તો આ પવિત્ર સ્થળે દર્શન કરે છે.
*(23) મધુવંતી-સંગમ -* માધવપુરથી ઉત્તરે ત્રણ કિ. મી. ઉપર મધુવંતી નદીનો સાગરસંગમ થાય છે. આ સ્થાન ખૂબ જ રમણીય છે. ત્યાં સંગમનારાયણની દહેરી તથા વારાહકુંડ આવેલ છે. બાજુના પાતા ગામમાં પુરાણું સૂર્યમંદિર છે. એની બાજુમાં જ્ઞાનવાવ ગોમતી- વાવ અને દહીં-દૂધના કુંડ આવેલાં છે. આ સ્થાનનું ધાર્મિક મહત્વ ખૂબ છે. શ્રીકૃષ્ણ ભગવાન ભાદરવા સુદ 11 ને દિવસે અહીં જલ ઝીલવા પધારે છે.
*(24) બળેજ –* માધવપુરની ઉત્તરે સોળેક કિ.મી. ઉપર આવેલ આ ગામમાં પુરાણું મંદિર છે અને એમાં અદૂભુત એવું પથ્થરનું તરણું છે. આ ગામમાં બહાદૂર વીર જેતમાલ પાળિયો શૌર્યગાથા રજૂ કરતો ઊભો છે. બાજુના ભાણપરા ગામે મૈત્રક કાલીન મંદિર આવેલાં છે.
*(25) વેજડીવાવ અને મંગીવાવ –* લીંબા ભગત નામના માધવરાયના પરમભક્ત થઈ હતા. તેમણે વેજડી અને મંગી નામની બે દીકરી હતી. પુરમાં આવેલી લીંબાવાવ અને ઘેડમાં આવેલી મંગી અને વેજડીવાવ એનાં ચિરંજીવ સ્મારક છે. આ વાવ ભગવાન માધવરાયે પોતાના ભક્તની યાદી માટે ચમત્કારથી ઊભી કરેલી કહેવાય છે.પૌરાણીક પુસ્તકોમાં માધવપુર એક સાંસ્કૃતિક વિરાસત તરીકે ઉજાગર થયેલુ છે. આ પુસ્તકોમાં માધવપુરના ઐતિહાસીક સ્થળોની આ માહિતી રહેલી છે. કે.કા. શાસ્ત્રી, નરોત્તમ પલાણ, નાથાલાલ રૈયારેલા અને કાઠયાવાડ સર્વસંગ્રહ 1886 સહિતના પુસ્તકોમાં માધવપુર અને તેના ઉત્સવોની માહિતી રહેલી છે તેમ પોફેસર રામ બાપોદરા જણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya