
મોડાસા, 20 મે (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે કૌશલ્યા કુંવરબા પરમાર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ યાત્રા નલિન કાન્ત ગાંધી ટાઉન હોલથી નીકળી વિવિધ વિસ્તારો ફરી ટાવર રોડ સુધી યોજાઈ હતી. આ યાત્રામાં મહિલાઓએ લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા બિરદાવી હતી.
શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો.
આ તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, મહિલા અગ્રણી નીલાબેન પટેલ, કાજલબેન દોશી, નિર્મલાબેન પંચાલ, અગ્રણી મહેન્દ્રસિંહ રહેવર સહિત વિવિધ સંગઠનની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ