ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાએ નાણાકીય સ્વનિર્ભરતા અને શહેરી વિકાસના ક્ષેત્રે નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. ૨૦૧૦માં સ્થપાયેલી આ મહાનગરપાલિકાએ ગુજરાતની નાના કદની મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત રૂ. ૨૫ કરોડનું મ્યુનિસિપલ બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર જારી કર્યું, જે પ્રથમ મિનિટમાં સબસ્ક્રાઈબ થયું અને પછી ૯ ગણું ઓવરસબસ્ક્રાઈબ થયું. રૂ. ૨૫ કરોડના બોન્ડ ઈશ્યુ સામે રૂ. ૨૨૫ કરોડની ઓફર્સ મળી, જેના પરિણામે ૭.૬૫%નો કૂપન રેટ પ્રાપ્ત થયો. આ સફળતા રોકાણકારોના અપાર વિશ્વાસને દર્શાવે છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દેશની ૧૭મી અને ગુજરાતની ૫મી મહાનગરપાલિકા બની છે, જેણે મ્યુનિસિપલ બોન્ડ જારી કર્યું. આ પૂર્વે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની મોટી મહાનગરપાલિકાઓએ આવા બોન્ડ જારી કર્યા છે. દેશભરમાં અત્યાર સુધી ૧૬ મહાનગરપાલિકાઓએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગાંધીનગરે નાની મહાનગરપાલિકા તરીકે આવું બોન્ડ જારી કરીને શહેરી વિકાસનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
આ બોન્ડના ભંડોળનો ઉપયોગ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે થશે. આનાથી નાગરિકોના જીવનની ગુણવત્તામાં વધારો થશે. આ પહેલ ભારત સરકારના નીતિ આયોગ, શહેરી વિકાસ મંત્રાલય (MoHUA) અને ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ છે.
બોન્ડ જારી કરવાની પ્રક્રિયામાં ગાંધીનગર મહાનગરપાલિકાએ ઉચ્ચ પારદર્શિતા જાળવી. SEBIની મંજૂરી સાથે, મહાનગરપાલિકાએ એક્યુઅલ-બેઝ એકાઉન્ટિંગ સિસ્ટમ અપનાવી અને CRISIL (AA-) તથા CARE Edge (AA) રેટિંગ્સ મેળવ્યાં. આ પ્રક્રિયામાં Sole Arranger તરીકે Tipson Consultancy Services Pvt. Ltd., Legal Council તરીકે M. V. Kinni અને Auditor તરીકે PJNDV & Associatesએ મહત્વની ભૂમિકા ભજવી. મેયર મીરાબેન પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસના માર્ગદર્શનથી આ સફળતા શક્ય બની.
પ્રથમ ૨૦ મહાનગરપાલિકાઓમાં સામેલ હોવાથી, ગાંધીનગર મહાનગરપાલિકાને ભારત સરકાર તરફથી અંદાજે રૂ. ૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે. આ સિદ્ધિ ગાંધીનગરને આત્મનિર્ભરતા અને પ્રગતિના પથ પર આગળ ધપાવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ