પોરબંદર, 21 જૂન (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂનના રોજ સરકારી હાઇસ્કૂલ, રાણાવાવ ખાતે તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તથા નાગરિકોએ ઉમંગભેર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં યોગાભ્યાસ, પ્રાણાયામ અને યોગના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ “માય થેલી” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં જનજાગૃતિ પ્રસરે તે હેતુથી રાણાવાવ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન ભૂતિયા, રાણાવાવ મામલતદાર જીતુભાઈ ડાભી તથા શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં થેલીઓ વિતરણ કરાયું હતું.સખી મંડળના મહિલા સભ્યોએ પોતાના હસ્તે તૈયાર કરેલી અંદાજે 200 પુનઃવપરાશ યોગ્ય થેલીઓનું વિતરણ સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ તથા અધિકારીઓને કરવામાં આવ્યું હતું.
આ થેલીઓ વિતરણથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણને સંરક્ષિત રાખવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દ્વારા યોગ અને સ્વચ્છતાના સંકલન સાથે લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો અને પર્યાવરણપ્રેમી બનવાનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya