
વડોદરા, 3 જૂન (હિ.સ.)-વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મકાનના નિર્માણ સમયે ભારી ટાઈલ્સ નીચે પડતાં 10 માસની નાની બાળકી રિદિયા નિનામાનું કરુણ મોત નિપજ્યું છે. બાળકોના માતા-પિતા ત્યાં જ મજૂરીનું કામ કરતા હતા અને પોતાની આંખે પોતાનાં બાળને મોતને ભેટતું જોયું ત્યારે પરિવારજનો શોકમાં ધ્રૂજતા થઇ ગયા હતા.
માહિતી મુજબ, માંજલપુર સ્થિત વૂડસ વિલા વિસ્તારમાં એક ખાનગી મકાનમાં ટાઈલ્સ લગાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ટાઈલ્સ પડી ગઈ અને તેનું પૂરું ભાર નાની બાળકી પર પડતા તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી. આ દુર્ઘટનાથી પરિવાર સહિત આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
મૃતક બાળકીના માતા-પિતાએ આરોપ મૂક્યો છે કે, ઘટનાસ્થળે કોઈપણ પ્રકારની સેફ્ટીની વ્યવસ્થા નહોતી અને અકસ્માત થયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પરિવારજનોએ પોતાને ન્યાય મળે તેવી માંગ સાથે પોલીસ સમક્ષ આવેદન કર્યું છે.
ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં વધુ એક બાળકને ઈજાઓ પહોંચી હોવાની જાણકારી મળતી હોય, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે, કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓ ફરીથી ન બને તેની ખાતરી કરવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે