સુરત, 1 જુલાઈ (હિ.સ.)- વિકટ પરિસ્થતિમાં ખડેપગ રહી દર્દીઓને સેવા-સારવાર આપતા તબીબોની નિ:સ્વાર્થ ભાવનાને બિરદાવવાના હેતુથી દર વર્ષે 1 જુલાઈએ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી કરવાં આવે છે. જેના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ ટીમે વિવિધ વિભાગોના તબીબી વડાઓનું તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય કામગીરી બદલ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સફેદ એપ્રનમાં દેવદૂત સમાન તબીબો દર્દીઓ માટે ઈશ્વરનું રૂપ એટલે ડૉક્ટર. ડોક્ટર અને દર્દી વચ્ચે મહત્વની કડી એટલે નર્સીસ દ્વારા આજે તબીબોને સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, સફેદ એપ્રનમાં દેવદૂત સમાન તબીબો દર્દીઓ માટે ઈશ્વરનું રૂપ એટલે ડૉક્ટર. દર્દી ડોક્ટર પાસે દુઃખદર્દ લઈને આવે છે અને હસતો-હસતો, સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે. એક સિક્કાની બે બાજુ સમાન ડૉક્ટર અને નર્સ કોઈ પણ જાતના ભેદભાવ વિના કુદરતી કે માનવસર્જિત સંકટમાં સતત સેવા આપી સમગ્ર સમાજને મદદરૂપ બને છે. કોરોનાકાળમાં હજારો લોકોના જીવન બચાવનાર અને દેશને મહામારીમાંથી ઉગારનાર તબીબો સાચા અર્થમાં ઈશ્વરનું રૂપ છે. ઉત્કૃષ્ટ તબીબી સેવાને કારણે ભારત આજે મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. ભારત અને ખાસ કરીને સરકારના પ્રયાસોથી તેમજ તબીબોની ઉચ્ચ ક્ષમતા અને કુશળતાના કારણે ગુજરાતમાં કેન્સર, રોબોટિક સર્જરી, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અનેક અત્યાધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ છે, અગાઉ આ માટે મુંબઈ જવું પડતું હતું.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ફોરેન્સિક DNA સાથેના પોસ્ટમોર્ટમ દાખલ દર્દીની સારવાર, પૂર, ભૂકંપ જેવી આફતોમાં પરિવારને છોડીને સેવા આપતા તબીબોની ભૂમિકા કાબિલેદાદ છે. કોઈપણ અપેક્ષા વિના તબીબો, નર્સિંગ અને સંલગ્ન સ્ટાફની પરિવારભાવનાથી દર્દી પરિવાર જેવો માહોલ અનુભવે છે અને ઝડપભેર સ્વસ્થ થાય છે, ત્યારે તબીબોને સન્માનિત કરવા એ આપણી ફરજ છે એમ જણાવી તબીબોને ઉમદા સેવા બદલ કડીવાલાએ અભિનંદન પાઠવ્યાં હતા.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડૉ.ધારિત્રી પરમાર, મેડિકલ કોલેજ ડીન ડૉ.નિમેશ વર્મા, આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, મેડિસિન વિભાગના વડાં ડૉ.કે.એન. ભટ્ટ, ડૉ. જિગીષાબેન પાટડિયા, સ્કીન વિભાગના વડા ડૉ.યોગેશ પટેલ, બ્લડ બેંકના હેડ ડૉ.જિતેન્દ્ર પટેલ, ડૉ.ભરત પટેલ, ડૉ.લક્ષ્મણ ટહેલાની, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વ જિગીષા માળી, નિરજા પટેલ, સ્ટેફી ક્રિશ્ચિયન સહિત મેડિકલ ઓફિસરો, હેડ નર્સ અને નર્સિંગની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે