સુરત, 1 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલ પાંચભીત શેરીમાં ચોમાસાની ઋતુ દરમિયાન એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં ચકચાર મચી ગઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનનો ઉપરનો હિસ્સો સવારે લગભગ 10:15 વાગ્યે ધરાશાયી થયો હતો. ઘટના બાદ ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મકાન ધરાશાયી થતા કાટમાળની નીચે એક વ્યક્તિ – 40 વર્ષીય વસીમ અબ્દુલ રઝાક શેખ – ફસાઈ ગયો હતો, જેને બચાવદળે સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઉપરાંત, ઘરમાં હાજર બે મહિલાઓ સહિત કુલ ત્રણ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મકાન પહેલાંથી જ જર્જરિત હાલતમાં હતું. તેમ છતાં પાલિકા તરફથી ત્રણ વખત નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મકાન માલિકે યોગ્ય કાર્યવાહી કરી નહોતી. હાલ પાલિકા અને ફાયર વિભાગની ટીમ કાટમાળ હટાવવાની કામગીરીમાં તત્પર છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે