સુરત, 11 જુલાઈ (હિ.સ.)- શહેરનાં ભાઠા ગામમાં ખેતરની રખેવાળી કરનાર અને તેમની બે મહિલા સબંધીઓનાં ગુંગળામણને કારણે મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ત્રણેય લોકો ખેતરમાં જ આવેલ એક ઓરડીમાં જનરેટર ચાલુ કરીને રાત્રે સુઈ ગયા હતા. જો કે, વેન્ટીલેશનનાં અભાવે રાત્રિ દરમિયાન ચાલુ રહેલા જનરેટરનાં ધુમાડાને પગલે વૃદ્ધ સહિત બે મહિલાઓનાં મોત નિપજ્યાં હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. હાલમાં એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણેય મૃતકોનાં મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મુળ કોસંબામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી ભાઠા ગામમાં આવેલ ખેતર અને તેમાં ઉભા કરવામાં આવેલ ક્રિકેટ બોક્સની રખેવાળી કરતાં 77 વર્ષીય બાલુ કચરાભાઈ પટેલને મળવા માટે વતનથી તેમની સાળી અને સંબંધી મહિલા આવી હતી. આ દરમિયાન ગત રાત્રે બાલુભાઈ પટેલ અને તેમને મળવા માટે આવેલ 56 વર્ષીય સીતાબેન અનિલ રાઠોડ અને 66 વર્ષીય રેખાબેન પવન રાઠોડ ખેતરમાં જ આવેલ એક ઓરડીમાં સુઈ ગયા હતા. જો કે, આ રૂમમાં જ જનરેટર ચાલુ હોવાને કારણે ગુંગળામણને કારણે તેઓનું મોત નિપજ્યું હતું. સવારે બાલુભાઈનાં પુત્ર સુનીલ પટેલ પિતા અને માસી સહિત સંબંધી મહિલાને ઉઠાડવા માટે પહોંચ્યા ત્યારે તેઓનાં બેશુદ્ધ હાલતમાં નજરે પડ્યા હતા. અચાનક હેબતાઈ ગયેલા સુનીલ પટેલ ક્રિકેટ રમવા માટે આવેલા યુવકોને 108 એમ્બ્યુલન્સને બોલાવવા માટે જાણ કરી હતી. બીજી તરફ રૂમમાં નિંદ્રાધીન ત્રણેયને ઉઠાડવાનો પ્રયાસ કરતાં તેઓનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા હાલમાં પ્રાથમિક તબક્કે જનરેટર ચાલુ રહેવાને કારણે ગુંગળામણને પગલે બાલુ પટેલ સહિત બંને મહિલાઓનાં મોત નિપજ્યાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ત્રણેય જે રૂમમાં સુવા માટે ગયા હતા ત્યાં કોઈપણ પ્રકારની વેન્ટીલેશનની વ્યવસ્થા ન હોવાને કારણે આખી રાત દરમિયાન ચાલુ રહેલા જનરેટરનાં ધુમાડાથી જ ગુંગળામણને કારણે મોત નિપજ્યું હોવાની આશંકા વચ્ચે એફએસએલની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. હાલમાં મૃતકોનાં પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં તજવીજ હાથ ધરવામાં આવી છે અને પીએમ રિપોર્ટનાં આધારે જ મોતનું ખરૂં કારણ જાણવા મળશે.
એક મહિનાં પૂર્વે જ વૃદ્ધનાં પત્નીનું મોત નિપજ્યું હતું
કોસંબા ખાતે રહેતા અને હાલમાં ભાઠા ગામે ખેતરની રખેવાળી કરતાં બાલુભાઈ પટેલની પત્નીનું એક મહિનાં પહેલાં જ નિધન થયું હતું. આ અંગે તેમના પુત્ર સુનિલે જણાવ્યું હતું કે, માતાનાં મોત બાદ પારિવારિક રિવાજને કારણે જ તેમની માસી અને સંબંધી મહિલા બાલુભાઈ પટેલને લેવા માટે આવી હતી. કોસંબાથી આવેલ સીતાબેન રાઠોડ અને રેખાબેન રાઠોડ રાત્રે મોડું થઈ જતાં અહીં જ રોકાવવાનો નિર્ણય લીધો હતો અને આજે સવારે આ ત્રણેય જણ કોસંબા જવા માટે રવાના થવાના હતા. જો કે, જે રૂમમાં જનરેટર ચાલુ હતું તે જ રૂમમાં દરવાજો બંધ કરીને સુઈ જતાં ગુંગળામણને કારણે ત્રણેયનાં મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પુત્ર અને પુત્રવધુ બાજુનાં રૂમમાં સુઈ ગયા હતા
બાલુભાઈ પટેલને લેવા માટે વતનથી માસી અને અન્ય મહિલા સંબંધી આવ્યા હોવાની જાણ થતાં જ બાલુભાઈ પટેલનો પુત્ર સુનિલ પણ તેઓને મળવા માટે ભાઠા ગામ પહોંચ્યો હતો. સુનિલ હાલમાં ઈચ્છાપોર ખાતે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, કોસંબાથી માસી સહિત સંબંધી મહિલાને મળવા આવ્યા બાદ સુનિલ પોતાની પત્ની સાથે જનરેટરવાળા રૂમની બાજુમાં જ સુઈ ગયો હતો અને સવારે પિતા સહિત બંને વૃદ્ધાને ઉઠાડવા જતાં તેઓનાં મોત નિપજ્યાં હોવાની જાણ થતાં જ તેના માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હતો. એક મહિના પહેલાં જ માતાનાં મોત બાદ હવે પિતા અને માસી સહિત સંબંધી મહિલાનાં મોતને પગલે પુત્ર અને પુત્રવધુમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
વેન્ટીલેશનનાં અભાવે હોનારત સર્જાઈ હોવાની આશંકા
ભાઠા ગામમાં વૃદ્ધ સહિત બે મહિલાઓનાં મોતની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીઆઈ કે.એલ. ગાધે પણ ઘટના સ્થળે ઘસી ગયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, આ ત્રણેય વ્યક્તિઓ જે રૂમમાં સુઈ રહ્યા હતા ત્યાં જનરેટર ચાલુ હોવાને કારણે ગુંગળામણને કારણે મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અલબત્ત, જે રૂમમાં જનરેટર ચાલુ હતું તે રૂમમાં વેન્ટીલેશનની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જ વધુ પડતાં ઘુમાડાને કારણે જ તેમનું મોત નિપજ્યું હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે