ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજ રોજ માણસા તાલુકાના બોરુ, શિવપુરાકંપા ગામે એપ્રોચ રોડ ક્ષતિગ્રસ્ત થતા તાત્કાલિક પેચ વર્ક અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાની ઉપર પડેલી માટી તથા ખાડા ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ આર.એન.બી. વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર મશીનરી તથા મજૂર સાથે પહોંચીને માર્ગને ચાલૂ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. આજે પેચ વર્ક તથા ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી લોકોને વ્યવહાર માટે સરળતા રહે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં, સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ