પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : પાટણ તાલુકાના બબાસણા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જ્યોત્સનાબેન દિનેશભાઈ દેસાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. નિરુભાઈ જોષીની અધ્યક્ષતામાં પંચાયત કચેરીમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જ્યોત્સનાબેન દેસાઈનું એકમાત્ર ઉમેદવારીપત્ર આવતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
ગામના સરપંચ તેમજ અગ્રણીઓએ ફૂલહાર, શાલ અને ગુલાલથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ અગાઉ યોજાયેલી પંચાયતની મુખ્ય ચૂંટણીમાં ગીતાબેન રાજપૂત સરપંચ તરીકે ચૂંટાયા હતા.
હવે સરપંચ ગીતાબેન અને ઉપસરપંચ જ્યોત્સનાબેન બંને શિક્ષિત મહિલાઓના નેતૃત્વમાં ગામના સર્વાંગી વિકાસ માટે નવી દિશા સ્થાપાઈ રહી છે. બંને પરિવારોએ તેમના વડીલોની સરપંચ-ઉપસરપંચ તરીકેની પરંપરાને યથાવત રાખી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર