ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) નશીલા પદાર્થો સામે સતત કાર્યવાહીની સૂચનાઓ અંતર્ગત ગાંધીધામમાં પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરીને 964 ગ્રામ ગાંજો પકડી પાડ્યો છે.
ગાંધીધામના ગુડ સાઇડ પુલ પાસે બે ઇસમો નશીલો ગાંજો વેચાણ કરવા આવવાના હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી. જેના અનુસંધાને ગોઠવાયેલી વોચમાં બે આરોપીની આ વિસ્તારમાં શોધખોળ કરાઇ હતી અને બંનેને દબોચી લેવાયા હતા. પોલીસે બનાસકાંઠાના બે આરોપીને ઝડપી લીધા હતા. જેમાં દિયોદરના સણાવ પ્લોટ વિસ્તારના પ્રવિણ જોરાભાઇ પરમાર અને દિનેશ હેમજી પરમારને પકડીને ચકાસણી કરતાં 964 ગ્રામ ગાંજો પકડી લીધો હતો. રૂપિયા 9640ના ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન અને બેગ જપ્ત કરાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA