પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં આજે બેગલેસ ડે નિમિતે વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિર પરિવારના સહયોગથી શાળાના 70 વિદ્યાર્થીઓનો સમૂહ જન્મદિન ઉજવવામાં આવ્યો. વિદ્યાર્થીઓ પર ગંગાજળ છાંટવામાં આવ્યું, તિલક કરાયું અને નાડાછડી બાંધવામાં આવી. દસ દસના જૂથમાં વિદ્યાર્થીઓને હવનકુંડ પાસે બેસાડવામાં આવ્યા અને ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવી.
પૂજન દરમ્યાન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવના, પર્યાવરણ સંરક્ષણ અને માનવ કલ્યાણના સંકલ્પો લીધા હતા. કાર્યક્રમના બીજા ભાગમાં શાળાની 50 દીકરીઓએ ગૌરી વ્રત કર્યું. શિક્ષકોએ તેમનું પૂજન કરીને વ્રત પાછળનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ધાર્મિક મહત્વ સમજાવ્યું.
આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક તથા ગાયત્રી પરિવારના સભ્યો વિનોદભાઈ પટેલ, મુકેશભાઈ, સવિતાબેન, મધુબેન, ગીતાબેન, મંગુબેન અને અંબાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રોચ્ચાર અને સહયોગ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર