ભુજ - કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) સમગ્ર રાજ્યમાં પુલના ઈન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં બરાયા બ્રીજને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
પથ્થરોની આડશ મૂકવામાં આવી
જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનચાલકોની સલામતીને ધ્યાને લઈને આ બ્રીજ ઉપર ભારે વાહનોનો પ્રવેશ સંપૂર્ણ રીતે અટકાવવા માટે પથ્થરોની આડશ મૂકવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ પરિસ્થિતિમાં ભારે વાહનો બ્રીજ ઉપરથી પસાર થાય નહીં તેને ધ્યાને લઈને હાઈટ બેરિયર મૂકવામાં આવ્યા છે. ભારે વાહનો માટે વૈકલ્પિક રોડ નિયત કરવાની સાથે જ આ બ્રીજ ખાતે વિવિધ ચેતવણીસૂચક બોર્ડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે.
રસ્તાઓના સમારકામ ચાલુ
ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રીપેરીંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોઈપણ ભયજનક બ્રીજ કે જાહેરનામાથી પ્રતિબંધિત બ્રીજ ઉપરથી ભારે વાહનો પસાર થાય નહીં તે માટે વિવિધ સલામતીના પગલાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનચાલકોના હિતમાં લેવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA