પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પિંઢારપુર ગામની પ્રાથમિક શાળામાં રાહી ફાઉન્ડેશન અને ગ્રેટ વેવ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને નવા ગણવેશ, છત્રી, નોટબુક અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. સાથે સાથે બાળકો, બહેનો અને ભાઈઓને કપડાં પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જગવિખ્યાત લેખક જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક સુખનો સૂર્યોદય શાળાને અને મંચસ્થ મહાનુભાવોને ભેટરૂપે આપવામાં આવ્યું હતું. શાળાના સંચાલક અને શિક્ષકગણે મહેમાનો અને રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંકલન ડાહ્યાભાઈ વીરતાએ કર્યું હતું.
આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, મૌલિક પટેલ, ખુશી પટેલ, વિજય દલાલ અને માર્કંડ પવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સહયોગી તરીકે મૌલિક પટેલ અને ભદ્રેશ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર