ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં ખેડૂતોને ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો સવારથી જ ખાતરના ડેપો અને જંતુનાશક દવાની દુકાનો પર લાંબી કતારોમાં ઊભા રહે છે.
વર્તમાન સ્થિતિ મુજબ, એક આધારકાર્ડ પર માત્ર બે થેલી ખાતર ફાળવવામાં આવી રહ્યું છે. આ માત્રા ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે. મોટાભાગના ખેડૂતોને 10 થેલી ખાતરની જરૂર છે, પરંતુ તેમને માત્ર બે થેલી જ મળી રહી છે. પરિસ્થિતિ વધુ ગંભીર એટલા માટે બની છે કે વિસ્તારમાં નહિવત વરસાદ થયો છે. ખેડૂતોને પાક માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે. પૂરતું ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો સરકારની નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દર સિઝનમાં ખાતરની અછત સર્જાય છે. આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ ઊઠી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ પરિસ્થિતિ તેમની આર્થિક સ્થિતિ પર પણ વિપરીત અસર કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ