ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને પુલ-રસ્તા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના મંત્રીઓ તેમજ પ્રભારી સચિવશ્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત-નિરીક્ષણ દ્વારા પુલ તેમજ રોડ-રસ્તાઓની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રભારી સચિવ
જેનુ દેવનના અધ્યક્ષસ્થાને


ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના મંત્રીઓ તેમજ પ્રભારી સચિવશ્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત-નિરીક્ષણ દ્વારા પુલ તેમજ રોડ-રસ્તાઓની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત પ્રભારી સચિવ જેનુ દેવને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વેરાવળ, ચિત્રાવડ પુલની પ્રત્યક્ષ મુલાકાત લઈ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજી પુલ તેમજ રોડ-રસ્તા અંગે જિલ્લાની મહત્વની કામગીરી વિશે ઝીણવટભરી માહિતી મેળવી સંલગ્ન વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

પ્રભારી સચિવએ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, નગરપાલિકા, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના વિવિધ માર્ગોનું થયેલું ધોવાણ અને માર્ગોના દુરસ્તીકરણ માટે હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના માર્ગ-મકાન સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.

પ્રભારી સચિવને કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર પુલ, ઉના-ગીરગઢડા -જામવાળા રોડ પર આવેલા મેજર-માઈનોર પુલ, સામતેર-બેડીયા-કંટાળા રોડ પર આવેલ માઈનોર પુલ, ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ પુલ, ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પરના પુલ, ઉના-તુલસીશ્યામ રોડ પરના માઈનોર પુલ સહિતના પુલના જાહેરનામા તેમજ સત્વરે હાથ ધરવામાં આવેલી પુલની કામગીરી અંગે અવગત કરાયા હતાં.

પ્રભારી સચિવએ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), ગુજરાત મેરિટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને વિવિધ નગરપાલિકા હસ્તકના પુલ, કલ્વર્ટ અને રોડ-રસ્તાના નવા કામો તથા દરખાસ્ત થયેલા કામો અને ટેન્ડરિંગ પ્રક્રિયા વિશે સૂચનો કર્યા હતાં.

પ્રભારી સચિવએ નુકસાન પામેલા માર્ગો અને પુલનું સત્વરે દુરસ્તીકરણ કરી અને જન સલામતીના પગલાંઓ હાથ ધરી નાગરિકોની સગવડ માટે તાત્કાલિક ધોરણે ગુણવત્તાસભર કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

પ્રભારી સચિવએ રસ્તાના કામ સત્વરે અને ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો સાથે જિલ્લાના જર્જરિત મકાનો-ટાંકીઓ સહિતના સ્ટ્રકચરો ઉતારી લેવામાં આવે, તેમજ જ્યારે પણ કોઈ નવા રોડ રસ્તા બને ત્યારે રોડ પરથી પસાર થનાર પી.જી.વી.સી.એલ, ગેસ, જીસ્વાન નેટવર્ક સહિત વિભાગો જેને રોડ ખોદવાની જરૂરિયાત ઊભી થાય છે તેઓને અગાઉથી અવગત કરી વારંવાર ખોદકામ અને રિપેરીંગ ન થાય અને પ્રજાની સગવડ સચવાઈ તે માટે તકેદારીના પગલાં લેવા માટે માર્ગદર્શિત કર્યા હતા.

પ્રભારી સચિવએ વેરાવળ બંદરના પુલ પર જરૂરી બેરીકેડિંગ લગાવવા તેમજ સિક્યુરિટી ગાર્ડનો જરૂરી બંદોબસ્ત ગોઠવવા બંદર અને મત્સ્ય વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જિલ્લામાં પુલ-રસ્તાના જરૂરી રિપેરિંગ અને મેઈન્ટેનન્સની કામગીરી સાથે વાહન વ્યવહાર જળવાઈ રહે તેવા આયોજન માટે ડાયવર્ઝન સહિતના પગલાં, જરૂરી મરામત કામગીરી અંગે અમૂક પુલ ભારે વાહનના પ્રતિબંધ સહિતની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે પ્રભારી સચિવશ્રીને વાકેફ કર્યા હતાં.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી જિલ્લાના વિવિધ માર્ગો જે નુકસાનગ્રસ્ત બન્યા છે. ત્યાં યુદ્ધના ધોરણે વિવિધ સ્થળોએ કરવામાં આવેલી જંગલ કટિંગ, મેટલ પેચવર્ક, શોલ્ડર સ્ટ્રેન્ધનિંગ સહિતની પ્રવૃત્તિઓ વિશે પ્રભારી સચિવને માહિતગાર કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નાયબ કલેક્ટર એફ.જે.માકડા, મત્સ્યોદ્યોગ અધિકારી વી.કે.ગોહિલ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર સર્વ જે.આર. સિતાપરા, આશુતોષ પટેલ (સ્ટેટ), પી.કે. કાલરિયા (નેશનલ હાઈવે) તથા રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande