મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.)
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ-૨૦૨૫” અંતર્ગત સ્વચ્છતાનું મૂલ્યાંકન હાથ ધરાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શાળા, આરોગ્ય કેન્દ્ર, શાકમાર્કેટ, મંદિર, ગ્રામ પંચાયત કચેરી સહિત વિવિધ જાહેર સ્થળો પર સફાઈની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. સાથે જ શૌચાલયોની ઉપલબ્ધતા, ઘન અને પ્રવાહી કચરાનું નિપટાણ, ડોર ટૂ ડોર કચરું એકત્રિકરણ, હેન્ડ વોશિંગ જેવી બાબતોનું પણ મૂલ્યાંકન કરાશે.
અભિયાન અંતર્ગત ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ જણાવ્યુ હતું કે, ગ્રામજનો SSG-2025 એપ્લિકેશન ડાઉનલોડ કરીને સરળ ભાષામાં વધુમાં વધુ પ્રતિભાવ આપે, જેથી પોતાનું ગામ, તાલુકો અને જિલ્લો સ્વચ્છતામાં આગળ આવે. સાથે જ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય એ માટે સહકાર આપવો જરૂરી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR