ભુજ - કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) અહેવાલો છાપીને ડરાવવા ધમકાવવાની સાથે ખંડણીખોર બનેલા બે કથિત પત્રકારો સામે ચોથી ફરિયાદ નોંધાઇ છે. વાજીદ ચાકી અને અલી ચાકી સામે ડમ્પરમાં રેતી ઉપાડી જવાના મામલે દમદાટી કરીને રૂપિયા 50 હજાર લીધા હતા અને તે પ્રકરણમાં નિરોણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. દરમિયાન, પશ્ચિમ કચ્છ પોલીસે ખંડણીખોરો અને આરટીઆઇ એક્ટિવિસ્ટ સામે સચેત રહેવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જાહેર અપીલ કરી છે.
પોલીસની શું છે અપીલ?
કોઈ કથિત પત્રકાર તથા કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટો તમારા ધંધા-રોજગાર કે વ્યવસાયને તથા તમારી મજબૂરીનો લાભ લઈ ગેરકાયદે દબાવી રૂપિયાની માગણી કરતા હોય તેવા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવા પશ્ચિમ કચ્છ પોલીસે આહ્વાન આપ્યું છે. નિ:સંકોચ રીતે નિર્ભય થઈ તુરત નજીકના પોલીસ મથક અથવા એલસીબી-ભુજ અથવા પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું હતું.
કથિત પત્રકારોએ 50000 પડાવ્યા હતા
નિરોણા મથકે વધુ એક ફરિયાદ આ બંને આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ છે. આ અંગે નિરોણા પોલીસ મથકે સુમરાસર (જત)ના દાઉદ મામદ જતે નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ તેઓ નિરોણા પાસે કાયદેસરની લીઝમાંથી લીઝ માલિકની મૌખિક સંમતિથી તે રેતી ઉપાડી પરિવહન કરતા હતા. આઠ-સાડા આઠ માસ પૂર્વે નિરોણા પાસે બે માણસે રેતી ભરેલું ડમ્પર અટકાવતાં ડ્રાઈવરે ફોન કરી બોલાવ્યો હતો. આથી ફરિયાદી ત્યાં જતાં તેઓએ પોતાની ઓળખાણ વાજીદ ચાકી તથા અલીમામદ ચાકી તરીકે આપી પોતે ન્યૂઝ ચેનલના પત્રકાર હોવાનું જણાવ્યું હતું.
બીજાના નામે લીઝ હોવાની ધમકી
આ પત્રકારોએ એવો રોફ જમાવ્યો હતો કે, રેતી ડમ્પરમાં છે તેના લીઝ માલિક બીજા છે તમે રેતીની ચોરી કરો છો. તમને ધંધો કરવો હશે તો અમને 50 હજાર આપવા પડશે, નહીંતર તમને પકડાવી દઈશું. ફરિયાદીએ કહ્યું કે, લીઝ માલિકની મૌખિક મંજૂરીથી રેતી ભરું છું જેથી રૂપિયા આપીશ નહીં.
યોગાનુયોગ ખનિજ વિભાગે ડમ્પર પકડ્યા!
ચાર-પાંચ દિવસ બાદ ફરિયાદીના રેતી ભરેલાં ડમ્પરને ખનિજ ખાતાએ પકડયાં હતાં અને કાયદેસરની કાર્યવાહી થઈ હતી. સાડા ત્રણ લાખનો દંડ થયો હતો. આ બનાવના વીસેક દિવસ બાદ ફરિયાદી લીઝવાળી જગ્યા ઉપર પોતાના ડ્રાઈવર સાથે હાજર હતા, ત્યારે આ આરોપીઓ વાજીદ અને અલીમામદ ફરી આવ્યા હતા અને જણાવ્યું કે, જોયું અમે કીધું તું ને તારે ધંધો કરવો હોય તો 50 હજાર આપવા પડશે, પરંતુ તું માન્યો નહીં. હજુ પણ તારે ધંધો ચાલુ રાખવો હોય, તો 50 હજાર આપ, નહીંતર ધંધો નહીં કરવા દઈએ.
લીઝધારકને તકલીફ ન થાય એટલે ખંડણી આપી
મારે લીધે લીઝધારકને કોઈ તકલીફ ન થાય અને મને ધંધો કરવો હોવાથી બંનેને 50 હજાર આપ્યા હતા. આ બાદ બંનેએ જણાવ્યું કે, અમે ગમે ત્યારે આવીએ ત્યારે તારે અમને 50 હજાર આપવા પડશે, નહીંતર ધંધો નહીં કરવા દઈએ. બીકના લીધે જે-તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ આ બંને વિરુદ્ધ અલગ-અલગ આવી ફરિયાદ દાખલ થતાં ફરિયાદીને હિંમત આવતાં ગુનો નોંધાવ્યાનું ફરિયાદમાં લખાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA