પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.) : આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું આયોજન થનાર છે અને હાલ વરસાદની સીઝન પણ ચાલી રહી છે ત્યારે આ સીઝન દરમિયાન લોકોને સાવચેતી રાખવા તાજીયા કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે. અપીલ કરતા આયોજકોએ જણાવ્યું છે કે, પોરબંદર મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.જેને લઈ તમામ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનોને અપીલ છે કે ચોમાસાની ઋતુ ચાલુ હોય તેથી આપણે સાવચેત રહેવું જરૂરી છે. માટે કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તેના માટે આપણે બધાએ મળી હાલથી જ પૂરતી તૈયારી કરવી પડશે.જેથી તમામ મુસ્લિમ બિરાદરો અને આશિકે હુશેનને વિનંતી કરીએ છીએ કે આ વખતે પણ મહોરમના તહેવારોના દિવસે વરસાદ કે વરસાદી માહોલ રહેવાની શકયતા રહેલી હોય જેથી તાજીયા બનાવતી વેળાએ ખાસ ઉપરના ભાગે કોઈ પણ ધાતુ અથવા વીજ વાયરોનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ સાથોસાથ તાજીયા લઈ પસાર થતી વેળાએ રસ્તા પરથી પસાર થતા વીજ વાયરોનું ખાસ ધ્યાન રાખી ખૂબ જ ગંભીરતા દાખવવી જરૂરી છે. આ ઉપરાંત સમગ્ર તહેવારો દરમ્યાન વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અપાતી સુચનાઓને ધ્યાને લઈ તેઓને પણ પૂરતો સાથ સહકાર આપવા અપીલ કરીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya