જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરાઈ
જૂનાગઢ 5 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બિન રાસાયણિક પદ્ધતિ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કઈ રીતે પાક અને જમીનમાં રહેલા રોગ અને જીવાણુંઓનો નાશ કરવો તેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, દર વર્ષે એક
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરાઈ


જૂનાગઢ 5 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બિન રાસાયણિક પદ્ધતિ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કઈ રીતે પાક અને જમીનમાં રહેલા રોગ અને જીવાણુંઓનો નાશ કરવો તેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું જોઈએ. જેથી જમીનજન્ય રોગો જેવા કે સૂકારો, મૂળનો કહોવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઇ શકે.

મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઇ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવાની ભલામણ છે. સંપૂર્ણ કોઠવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દીવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં- બતકાના ખાતરનો વપરાશ વધારવો જોઈએ. જેથી જમીનનું પોત સુધરે તેમજ રોગમાં ઘટાડો થાય.

મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દીવેલીના ખોળને ૭૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે તથા કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા રોગો જેવા કે ધરૂનું મૃત્યુ, મૂળખાઈ અને સૂકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન પ્રતિ હેક્ટરે વાવેતર પહેલા જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

આ ઉપરાંત રોગપ્રતિકારક જાતોના વાવેતરનો આગ્રહ રાખવો. મગફળીમાં ઉગસૂક, મૂળખાઈ અને થડના કોહવારી સામે પ્રતિકારકતા માટે જીજેજી- ૩૩ જાતની ભલામણ કરવામાં આવે છે. જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું.

દીવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈ રોગની તીવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે.

જમીનજન્ય ફૂગથી થતા રોગ જેવા કે ઉગસૂક, સૂકારો, ધરૂનો કોહવારો થડનો કોહવારો, મૂળનો કોહવારો અને કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડમાં વીરીડી, ટ્રાયકોડમાં હરજીયાનમ, શ્યુડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ (૮ થી ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો.

ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઇ છે. તો તેના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. ટ્રાયકોડમાંને ૧૦ કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું. આવું તૈયાર કરેલ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર ૧૦૦ કિ.ગ્રા. બીજા છાણિયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે.

મગફળીમાં થડનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ૫ કિ.ગ્રા ટ્રાયકોડમાં હરજીયાનમ અથવા ટ્રાયકોડમાં વીરીડી ૨૫૦ કિ. ગ્રા. દીવેલી/રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડર્મા ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું. દીવેલામાં સૂકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૫ કિ.ગ્રા.ને ૫૦૦ કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું જોઈએ.

તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમાં હરજીયાનમ ૮ થી ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો. તેમજ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડમાં ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકાર, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામકશ્રી તાલીમનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande