જૂનાગઢ 5 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬નું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે. જેમાં ૧૪ વર્ષ, ૧૭ વર્ષ અને ૧૯ વર્ષ સુધીની વયજૂથના ભાઈઓ-બહેનો તાલુકા/ઝોનકક્ષા તથા જિલ્લાકક્ષાની જુદી જુદી કુલ-૪૩ શાળાકીય રમત સ્પર્ધાઓ યોજવામાં આવશે.
આ સ્પર્ધા દરમિયાન ગુજરાત રાજ્ય સરકારની વિવિધ રમત યોજનાઓ જેવી જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ(DLSS) તથા સ્પોર્ટ્સ એકેડેમી(COE) જેવી રમતક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી સરકારશ્રીની યોજનાઓ માટે પસંદગી હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકાકક્ષા અને જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે. આ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ પોતાની રમત પ્રતિભાઓ ખિલવવાની આ અમૂલ્ય તક રાજ્ય સરકારશ્રી દ્વારા જિલ્લાના પ્રતિભાશાળી રમતવીરોને પૂરી પાડવામાં આવશે. જેમાં ખેલાડીઓને સ્પોર્ટ્સ ડ્રેસ, પ્રવાસ ભથ્થા, નિવાસ, ભોજન તથા રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને પ્રિ-નેશનલ કોચિંગ કેમ્પના માધ્યમથી અદ્યતન તાલીમ સહિતનો ખર્ચ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થનાર મહિલા ખેલાડીને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી મહિલા ખેલાડી રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત પ્રથમ, દ્રિતીય અને તૃતીય વિજેતાને અનુક્રમે ૪,૮૦૦/-, ૩,૬૦૦ અને ૨,૪૦૦/-ના રોકડ પુરસ્કારનો લાભ મળશે. આ અંગે વધુ માહિતી માટે યશવંતભાઈ ડોડીયા (મો.૭૮૫૯૯૪૬૯૮૪) અને રાહુલભાઈ (મો.૮૧૪૧૧૦૭૬૭૪) પર સંપર્ક કરવો. આ શાળાકીય રમત સ્પર્ધાઓમાં વધુને વધુ બાળકો ભાગ લે તેવી અપીલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત વતી જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ડો. મનીષ કુમાર જીલડીયાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ