પાટણ, 5 જુલાઈ (હિ.સ.)રાધનપુર શહેરના મસાલી રોડ વિસ્તાર અને આસપાસની 15થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો ભારે પરેશાન છે. રસ્તા પર મોટા ખાડાઓ અને ગટરની અયોગ્ય વ્યવસ્થાએ રહેવાસીઓ તથા વાહનચાલકોની મુશ્કેલીઓ વધારી છે. શહેરના મુખ્ય માર્ગો, જેમ કે બસ ડેપોથી જલારામ સોસાયટી અને શેઠ કે.બી. વિદ્યાલય તરફ જતાં રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા છે.
આ વિસ્તારમાં એક સરકારી અને બે ખાનગી શાળાઓ આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓને દરરોજ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગંદકી અને અનિયમિત વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસી ગણપતભાઈ જોશી મુજબ, છેલ્લા 15 વર્ષથી મસાલી રોડ પર આ સમસ્યા યથાવત છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ગટરમાંથી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને નગરપાલિકા દ્વારા ગટરની સમયસર સફાઈ પણ કરવામાં આવતી નથી. નગરપાલિકા દ્વારા ન તો રસ્તાની મરામત કરવામાં આવી છે કે ન તો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેને કારણે રાહદારીઓ, વેપારીઓ અને વાહન ચાલકોના દૈનિક જીવનમાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર