પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના એસ.પી. વી.કે. નાયી અને જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો સામેની કાર્યવાહી અંતર્ગત રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ટીમે મહત્વની સફળતા મેળવી છે. એસઓજીના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જી. સોલંકીના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસને મળેલી માહિતી અનુસાર, રણુજથી ફિંચાલ જતી માર્ગની બાજુમાં આવેલા પાણીના વેળા પાસે બાવળની ઝાડીમાં એક શખ્સ દેશી બનાવટની બંદૂક સાથે ફરતો હતો. પોલીસે તાત્કાલિક રેડ કરીને તે શખ્સને ઝડપી લીધો હતો.
પકડી પડેલા આરોપીની ઓળખ સમી તાલુકાના અમરાપુર પાટી ગામના 22 વર્ષીય અજરુદીન નથુભાઈ મિયાણા તરીકે થઈ છે. તેની પાસેથી રૂ. 2500ની કિંમતની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી છે. રણુજ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ અને જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર