બોટાદ 1 ઓગસ્ટ (હિ.સ.) : આજરોજ બોટાદ જિલ્લામાં લોકોસ ટ્રાન્ઝેક્શન મોડ્યુલ અંગે મહત્ત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. બિહાર રાજ્યના NRO (નોડલ રિસોર્સ ઑર્ગેનાઈઝેશન) ની ઈ-માસ્ટર ટ્રેનરની વિશેષ ટીમ બોટાદ ખાતે આવી હતી, જેઓએ તાલુકા સ્તરે મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત ઈ-બુકકીપર બહેનોને લોકોસ ટ્રાન્ઝેક્શન મોડ્યુલના ઉપયોગ અને ટેક્નોલોજી વિષે માર્ગદર્શન આપ્યું.
તાલીમ દરમિયાન બહેનોને ફેડરેશન સ્તરે થતી વિવિધ નાણાકીય લેવડદેવડ અને વ્યવહારની એન્ટ્રી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ સમજ આપી. આ માટે ડેમો એપ્લિકેશન દ્વારા લાઈવ પ્રેક્ટિકલ પણ અપાવાયું. ટ્રેનિંગમાં ખાસ કરીને કેવી રીતે નવી એન્ટ્રી કરવી, ભૂલ સુધારવી, અને માસિક રિપોર્ટ તૈયાર કરવો વગેરે બાબતોની વિગતવાર માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે બહેનોને ડિજિટલ પદ્ધતિથી ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રેરિત કરવો અને તેમને ટેક્નોલોજી સાથે સંકલિત બનાવવાનો રહ્યો. તાલીમ દરમિયાન બહેનોમાં નવી ટેક્નિકલ કૌશલ્ય વિકસાવાયા અને તેમની આત્મનિર્ભર બનવાની યાત્રામાં નવો આત્મવિશ્વાસ ઉમેરાયો. આ પ્રકારની તાલીમ કાર્યક્રમોથી ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ડિજિટલ સાશક્તિકરણની જ્યોત પ્રગટે છે. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના સમાખ્યા પ્રતિનિધિઓ તથા વિવિધ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai