રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૭મો પદવીદાન સમારોહ યોજાયો
ગાંધીનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૭મા પદવીદાન સમારોહના દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને મહામૂલી શીખ આપતા જણાવ્યું કે ‘વાદળ જેમ વર્ષારૂપે વરસીને ધરતીની તરસ છીપાવે છે તેવી જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની તરસ સંતોષવી જોઈએ. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવનમાં વણી લેવા જોઈએ.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૨ અભ્યાસક્રમોના ૪૦,૭૪૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૫૭ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર,શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં 'सत्यं वद, धर्मं चर, स्वाध्यायान्मा प्रमदः' સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
સત્યવાદી અને કર્મવાદી નિર્ભય હોય છે, ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, અસત્યનો પહાડ ભલે ગમે તેટલો વિશાળ હોય પરંતુ સત્ય તે પહાડને ધરાશાયી કરે જ છે. ધર્મ એટલે પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો. સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે જ ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.
દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે સામૂહિક પુરૂષાર્થ કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓને ટકોર કરતાં કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે.
સ્વવિકાસની સાથે સમાજના ઉત્થાન, પરિવાર, રાજ્ય અને રાષ્ટ્રની ભલાઈ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ એમ જણાવી રાજ્યપાલશ્રીએ તમામ પદવીધારકોને ઉજ્જવળ ભાવિની શુભકામના આપી બદલાતી દુનિયા સાથે કદમતાલ મિલાવી સતત પરિવર્તનશીલ બની રહેવા અને નવા પડકારોનો સામનો કરીને ‘વિકસિત ભારત’ તરફ દેશની આગેકૂચમાં જોડાવા પ્રેરિત કર્યા હતા.
મંત્રી પાનશેરીયાએ હાજર તમામ વાલીઓને બાળકોના સફળ ભાવિ માટે તેમના વિશેષ યોગદાનને બિરદાવ્યું હતું અને વિદ્યાર્થીઓને હંમેશા આદર્શમૂર્તિ સમાન માતાપિતાનું સન્માન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કુલસચિવ આર.સી.ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિજીલોકરમાં તમામ ૪૦,૭૪૫ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે
૫૭મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૪૦,૭૪૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલશ્રીએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ