સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.)- ઉમરવાડા, ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી દિલ્લીના વેપારીએ દલાલ મારફતે સાડીનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 15.18 લાખ નહી ચુકવી મોબાઈલ બંધ કરી દઈ છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે. ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણા જકાતનાકા આશીર્વાદ રો હાઉસ ખાતે રહેતા વાલજીભાઈ કરશનભાઈ નલીયાદરા (ઉ.વ.57) ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં એકતા ક્રિએશન અને ન્યુ ગાયત્રી ટેક્ષટાઈલ ફર્મના નામથી ધંધો કરતા હતા. તેમની પાસેથી 24 નવેમ્બર 2022 થી 17 ફેબ્રુઆરી 2023 સુધીમાં દિલ્હી, નાઈસરક, જાગીવાડા ખાતે આવેલ ઍ.આર.ફેશનના પ્રોપરાઈટર કુલદીપ અગ્રવાલે સુરતમાં ઍસ.ઍસ.બાલાજી ટેક્સટાઈલ ઍજન્સીના નામે દલાલીનું કામ કરતા રાજેશ ભારદ્વાજ મારફતે 24,19,014નો સાડીનો માલ ખરીદ્યો હતો. જેમાંથી 2,27,000 ચુકવ્યા હતા અને રૂપિયા 6,48,589નો માલ રીટર્ન કર્યો હતો. જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા 15,18,425ની અવાર નવાર માંગણી કરતા ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ બંને જણાએ મોબાઈલ ઉપાડવાના બંધ કરી દઈ છેતરપિંડી કરી હતી. વરાછા પોલીસે વાલજીભાઈ નલીયાદરાની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે