સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.)- રાજ્યમાં ડ્રગ્સની બધીને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે પોલીસે કમર કસી છે.સ્થાનિક પોલીસ તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અવાર નવાર રાજ્યના જુદા જુદા શહેરોમાથી લાખો કરોડો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ, ગાંજા જેવા માદક પદાર્થો અને પેડલરોને પકડવા આવે છે.ત્યારે આ જ દિશામાં કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલને મોટી સફળતા મળી છે. બારડોલી સુરત એનએચ ખાતેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી રૂ. 1.16 કરોડના કોકેઈન અને હેરોઈન જેવા ઘાતક ડ્રગ્સ પકડી પાડી એક પેડલરની ધરપકડ કરી છે.જ્યારે ઉત્તરપદેશના મુખ્ય સપ્લાયર સહીત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મળેલ બાતમીને આધારે નેશનલ હાઇવે -53, ત્રણ વલ્લા બ્રિજ,બારડોલી સુરત રૂરલ ખાતે રેઇડ કરી હતી.અને સ્થળ પરથી રૂ. 93.57 લાખનો કોકેઈન તથા રૂ. 23.28 લાખનો બ્રાઉન સુગર, અલ્પ્રાઝો ટેબ્લેટ- 20 તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ્લે રૂ. 1.16.89.205 નો મુદ્દ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.અને પેડલર અવનિશ સંચીતાનંદ પાઠક ( રહે-ખુશીનગર, ઉત્તરપ્રદેશ ) ની ધરપકડ કરવામાં આવી હતી.જયારે મુખ્ય સપ્લાયર સુરેશ સીંગ,અનિલ યાદવ ( બન્ને રહે -ઉત્તરપ્રદેશ ) તથા મોહિત યાદવ ( રહે. મહારાષ્ટ્ર ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ સિવાય પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આટલા મોટા પ્રમાણમાં કોકેઈન અને બ્રાઉન સુગર જેવા ઘાતક ડ્રગ્સ તેઓ ક્યાંથી લઈને આવ્યા હતા.અને કઈ જગ્યા ડિલિવરી આપવા જવાના હતા, વિગેરે બાબતે પુછપરછ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે